Sat May 09 2026

Logo

મમતા બેનર્જીનો ભાજપને ખુલ્લો પડકાર! કાયદાકીય અને રાજકીય લડાઈ લડવાની આપી ચેતવણી

2026-05-09 22:15:05
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રની ભાજપ સરકાર સામે પડકાર ફેક્યો છે. તેમણે ભાજપ પર બંગાળમાં સરમુખત્યારશાહી ચલાવવાનો અને લોકશાહીની હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પંશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ તે પછી હવે ટીએમસી અને મમતા બેનર્જીએ સતત આક્ષેપો કરી રહ્યાં છે. મમતા બેનર્જી તો રાજીનામું આપવા માટે પણ તૈયાર નહોતા. જેથી રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની ફરજ પડી હતી. 

ભાજપ પર મમતા બેનર્જીએ કેવો આક્ષેપ કર્યો?

મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, તેમને કાલિઘાટ અને ફાયર બ્રિગેડ સ્ટેશન જેવા સ્થળોએ ટાગોર જયંતિની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. તેમણે ગુસ્સા સાથે જણાવ્યું કે, ‘હું પોતે એક વકીલ છું અને હવે ભાજપ વિરુદ્ધ આ કાયદાકીય અને રાજકીય લડાઈ ખુલ્લેઆમ લડવામાં આવશે’. વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે, TMC ને ચૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ નીડર લોકો તેનો જડબાતોડ જવાબ આપશે.

સુરક્ષા હટાવવા મુદ્દે નારાજગી

પોતાની સુરક્ષા હટાવવા અંગે નારાજગી વ્યક્ત કરતા મમતાએ કહ્યું કે, જ્યારે હું 2011માં સત્તા પર આવી હતી, ત્યારે મેં પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખ્યું હતું, પરંતુ ભાજપે આવતાની સાથે જ મારી સુરક્ષા હટાવી દીધી. આ ઉપરાંત તેમણે રાજ્યમાં દલિત મહિલાઓ અને સામાન્ય લોકો પર થતા અત્યાચારો અંગે પોલીસની મૌન ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા.

મમતા બેનર્જીએ કાયદાકીય લડાઈની ચેતવણી આપી

મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે દેશના તમામ મોટા નેતાઓ તેમના સંપર્કમાં છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ સાથે તેમની વાતચીત થઈ છે. આ કાયદાકીય લડાઈમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ વકીલો તેમની સાથે રહેશે. સાંસદ મહુઆ મોઈત્રાની હેરાનગતિના પુરાવા પણ તેમની પાસે હોવાનું તેમણે જણાવ્યું હતું.