Thu Jun 11 2026

Logo

મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ભાજપ સત્તામાં આવશે તો  લોકો માંસાહાર નહિ ખાઇ શકે

2026-03-29 16:04:38
Author: Chandrakant Kanoja
Article Image

PTI


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વતી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રચારની શરૂઆત કરી છે. તેમણે પુરુલિયામાં જનસભાને  સંબોધિત કરતી વખતે  ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે  જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે  તો લોકો માંસાહારી ખોરાક નહીં ખાઈ શકશે. આ ઉપરાંત એમ  પણ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં રમખાણો થાય છે અને  આદિવાસીઓનું શોષણ થાય છે તેમજ  મહિલાઓ પર હુમલા થાય છે.

મમતા બેનર્જીએ કહ્યું,  મહિલાઓને 'લક્ષ્મી ભંડાર' યોજનાનો લાભ મળ્યો છે. ભાજપ ચૂંટણી પહેલા કેટલીક નાણાકીય સહાય પૂરી પાડશે.પરંતુ મતદાન પૂર્ણ થયા પછી તેને બંધ કરશે. તેમણે ઉમેર્યું   બંગાળ ચૂંટણી પૂર્વે  SIR પ્રક્રિયા દ્વારા 1.2 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા.

મમતા બેનર્જીના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયુ 

આ ઉપરાંત  મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ભાજપના એક અગ્રણી નેતાએ તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ચાર્જશીટ જાહેર કરી છે. જોકે, તેમના મતે વાસ્તવિક ચાર્જશીટ ભાજપ વિરુદ્ધ હોવી જોઈએ. ગુજરાતનો ઉલ્લેખ કરતા  તેમણે ટિપ્પણી કરી હતી કે રાજ્યમાં ભૂતકાળમાં અનેક રમખાણો થયા છે. મમતા બેનર્જીના આ નિવેદને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. 

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે  23 એપ્રિલે મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. આ ચૂંટણીઓના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ વખતે પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં આશરે 7 કરોડ  મતદારો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ચૂંટણીમાં લગભગ 3. 6 કરોડ  પુરુષ મતદારો અને 3.4 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.  જ્યારે 1,402 તૃતીય-લિંગ મતદારો છે જેઓ પણ આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વર્ષ 2021 માં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું

આ ઉપરાંત વર્ષ 2021 માં આઠ તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં  TMC એ 215 બેઠકો જીતીને શાનદાર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપે 77 બેઠકો મેળવી હતી. જ્યારે TMC એ બહુમતી સાથે સરકાર બનાવી હતી અને મમતા બેનર્જીએ સતત ત્રીજા કાર્યકાળ માટે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.