Thu Mar 12 2026

Logo

વિશેષઃ દિમાગને આવી રીતે બનાવો મજબૂત

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

સ્મિતા સોલંકી-પરમાર

દિમાગ- બ્રેન આપણાં શરીરનું અગત્યનું અંગ છે. આપણા આખા શરીરનું સંચાલન દિમાગ કરે છે. એવામાં એને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે. એના માટે એને જરૂરી પોષક તત્ત્વો પણ મળવા જોઈએ તો જ આપણું બ્રેન સારી રીતે કામ કરી શકે છે. 

આજે આપણે વાત કરીશું કે કઈ રીતે દિમાગને તંદુરસ્ત બનાવી શકાય. એ પહેલા વાત કરી લઈએ ભૂલવાની બીમારી વિશે. જે આજે સર્વસામાન્ય બીમારી બની ગઈ છે. વધતી ઉંમરને કારણે પણ લોકોનું દિમાગ નબળું પડતું જાય છે અને તેઓ અલ્ઝાઇમર એટલે યાદશક્તિ નબળી થઈ જવાનો ભોગ બને છે. મેડિકલની ભાષામાં એને ડિમેંશિયા કહેવામાં આવે છે. 

તાજેતરમાં શિકાગોની એક યુનિવર્સિટીએ કરેલા એક રિસર્ચમાં મળી આવ્યું છે કે નવી ભાષા શીખવાથી અને વાંચવાથી ડિમેંશિયા જેવી બીમારીનું જોખમ 40 ટકા ઘટી જાય છે. એના માટે 8 વર્ષ સુધી 20 હજાર લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ નિષ્કર્ષ નીકળ્યું છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે લોકોને નવી ભાષા શીખવા અને વાંચવાની ટેવ હતી તેમનામાંથી માત્ર 21 ટકા લોકોને અલ્ઝાઈમર ડેવલપ થયું હતું. અને જેમને આ આદત નહોતી એમાંથી 34 ટકા લોકોને આ ઘાતક બીમારીનું નિદાન થયું હતું. 

આપણાં દેશમાં 122 ભાષા અને લગભગ 270 માતૃભાષાઓ બોલવામાં આવે છે. અલગ અલગ પ્રદેશની વાત કરીએ તો 145 કરોડ લોકો દોઢ હજારથી પણ વધુ ભાષાઓ બોલે છે. આખા વિશ્વમાં તો 7 હજારથી પણ વધુ ભાષા બોલવામાં આવે છે. એથી જો નવી ભાષા શીખવામાં રસ હોય તો દિમાગને તેજ બનાવી શકાય છે. મૂળ વાત એ છે કે દિમાગને સક્રિય રાખવાનું છે. એને કાંઈ ને કાંઈ નવું શીખવાડવા માટે સજ્જ રાખવું જોઈએ. એનાથી આપણી યાદશક્તિ મજબૂત બને છે. એથી કોઈપણ પ્રકારની દવા કે સપ્લિમેન્ટ્સ વગર આપણા દિમાગને આપણે સશક્ત બનાવી શકીએ છીએ. 

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આપણાં દેશમાં લગભગ 80 લાખ લોકો અલ્ઝાઈમરથી પીડાય છે. વધતી ઉંમરને કારણે એનું જોખમ પણ અનેકગણું વધી જાય છે. એથી દિમાગને તરોતાજા અને સ્વસ્થ રાખવું આપણા હાથમાં છે. 

શું છે બ્રેન ડિસઓર્ડર?
બ્રેન ડિસઓર્ડરને કારણે દિમાગની કાર્યપ્રણાલી પર અસર થાય છે. એને કારણે યાદશક્તિ, વ્યવહાર અને શારીરિક પ્રવૃત્તિઓ પર માઠી અસર પડે છે. એમાં અલ્ઝાઈમર, ડિમેંશિયા, પાર્કિંસન્સ, સ્ટ્રોક અને ટ્યુમર સામેલ છે. વાત કરતી વખતે કે પછી કોઈ વસ્તુ સમજવામાં તકલીફ પડે છે. એકાગ્રતાનો અભાવ અને સંતુલન ગુમાવી બેસે છે. કેટલીક બીમારીમાં ઉપચારની સાથે સાથે સુધાર શક્ય છે.

એના મુખ્ય પ્રકાર: ન્યુરોડિજનરેટિવ: 
અલ્ઝાઈમર: યાદશક્તિ અને વિચારવાની શક્તિ ધીમે-ધીમે નબળી પડતી જાય છે.
પાર્કિંસન્સ: કંપન, કઠોરતા અને હલન-ચલનમાં તકલીફ ઊભી થાય છે.
એએલએસ (એમિયોટ્રોફિક લૈટરલ સ્કલેરોસિસ): આ એક ગંભીર ન્યૂરોમસ્કુલર બીમારી છે. જે મસ્તિષ્ક અને કરોડરજ્જુના મોટર ન્યૂરૉન્સને નષ્ટ કરે છે. સાથે જ માંસપેશીઓને સંકુચિત કરીને નબળી કરે છે. એને કારણે વાત કરવી, ચાલવું, જમવું અને શ્ર્વાસ લેવામાં સમસ્યા નિર્માણ થવા લાગે છે. હાથ-પગમાં પણ નબળાઈ આવે છે.

સ્ટ્રોક: મસ્તિષ્કમાં લોહીનો પુરવઠો અટકી જવો અથવા રક્તવાહિનીને નુકસાન થવાથી મસ્તિષ્કની કોશિકાઓ મરી જાય છે. 
બ્રેન ટ્યુમર: મસ્તિષ્કમાં અસામાન્ય કોશિકાઓની વૃદ્ધિ થવાથી સામાન્ય કાર્યપ્રણાલીમાં બાધા ઊભી થાય છે. 
માઈગ્રેન: ગંભીર અને વારંવાર થતો માથાનો દુ:ખાવો છે.

દિમાગને જો પૂરતો આહાર અને પોષણ મળી રહે તો એને તંદુરસ્ત બનાવી શકાય છે. એના માટે એલોવેરા જ્યૂસ, ગિલોય જ્યૂસ અને અશ્વગંધા જ્યૂસ ફાયદાકારક છે. 

સાથે જ બદામ રોગન દૂધમાં નાખીને પીવાથી પણ મગજને તંદુરસ્ત બનાવી શકાય છે. આ સિવાય બદામ અને અખરોટને ખાવાથી પણ દિમાગને મહદ્અંશે લાભ મળે છે. 

બ્રેનને મજબૂત બનાવવાના અગત્યના ઉપાય:
એક્સરસાઈઝ
બેલેન્સ ડાએટ
તણાવથી દૂર રહેવું
મ્યુઝિક
પૂરતી ઊંઘ
પાવર બૂસ્ટર:

લીલા શાકભાજી, પાલક, મેથી, બ્રોકલી, ડ્રાય ફ્રૂટ્સ, બદામ, અખરોટ, પિસ્તા. દાળ, ચણા, રાજમા, ઓટ્સ, જવાર અને બાજરીને પોતાના આહારમાં સામેલ કરવાથી દિમાગને તંદુરસ્તી પ્રદાન કરી શકાય છે. 

બ્રેનને મજબૂતી પ્રદાન કરવા માટે અળસીના બીનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ આપણાં રોજિંદા વપરાશમાં વાપરવામાં આવતી હળદર પણ મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. યાદશક્તિ વધારવા માટે હળદરનું સેવન લાભકારી છે. 

આ સિવાય એવું પણ કહેવાય છે કે ‘યોગ મટાડે રોગ.’
દિમાગને પૂરતા પ્રમાણમાં બ્લડ અને ઓક્સિજન મળી રહે તો તે સ્વસ્થ રહે છે. એના માટે આપણાં આયુર્વેદમાં યોગ પર વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનાથી નવી બ્રેન કોશિકાઓ બને છે. એથી જો આપણું દિમાગ સશક્ત રાખવું હોય તો આહાર પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેથી કરીને વૃદ્ધાવસ્થા સુધી પહોંચીએ ત્યારે દિમાગને લગતી બીમારીઓથી પોતાને બચાવી શકીએ છીએ.