Tue Oct 06 2026

Logo

મહુવામાં પિતૃકાર્ય ટાણે વૃદ્ધા પર ડાકણનો વહેમ નાખનાર યુવકનો ભાંડાફોડ, જાણો વિગત

2026-09-30 08:37:48
Author: Mayur Patel
મહુવામાં પિતૃકાર્ય ટાણે વૃદ્ધા પર ડાકણનો વહેમ નાખનાર યુવકનો ભાંડાફોડ, જાણો વિગત

મહુવા: હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. પિતૃઓના મોક્ષાર્થે કેટલાક લોકો દ્વારા તર્પણ, હવન કરવામાં આવતા હોય છે. આ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવામાં અંધશ્રદ્ધા અને વહેમના નામે એક નિર્દોષ વૃદ્ધ મહિલાને ડાકણ ગણાવી પ્રતાડિત કરવાનો પ્રયાસ ભારત જન વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસની સતર્કતાથી નિષ્ફળ બન્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે મહુવા પોલીસ સાથે મળીને આ ઢોંગનો પર્દાફાશ કરી પોતાના 1290માં સફળ કેસની નોંધ કરી હતો. ખોટો આરોપ મુકનાર યુવકે જાહેરમાં ભૂલ સ્વીકારી માફીપત્ર અને કબૂલાતનામું લખી આપતાં સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

પિતૃકાર્યમાં ધૂણીને વૃદ્ધા પર ડાકણ હોવાનો આક્ષેપ કર્યો

ઘટનાની વિગત મુજબ, મહુવામાં રહેતા એક વ્યક્તિએ પોતાના પિતાના મોક્ષાર્થે પિતૃકાર્ય રાખ્યું હતું. આ ધાર્મિક વિધિ દરમિયાન યુવક અચાનક ધૂણવા લાગ્યો હતો અને પરિવાર સમક્ષ એવો દાવો કર્યો હતો કે ઘરની અશાંતિ અને મુશ્કેલીઓ પાછળ મિલાપભાઈની વૃદ્ધ માતા કમુબેન જવાબદાર છે. તેણે કમુબેન 'ડાકણ' હોવાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો. આ સામાજિક આક્ષેપના કારણે કમુબેન અને તેમના પરિવારની પ્રતિષ્ઠા જોખમાઈ હતી તેમજ પરિવાર ભારે માનસિક યાતના અને મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.

વિજ્ઞાન જાથા સમક્ષ ફરિયાદ અને તપાસ

ન્યાય મેળવવા અને આ ખોટા વહેમમાંથી મુક્ત થવા માટે યુવકે રાજકોટ સ્થિત ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચી સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદના આધારે જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં પીડિત પરિવાર નિર્દોષ હોવાનું અને તેમના પર બદઇરાદાથી અંધશ્રદ્ધાનો ખોટો વહેમ નાખવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર ભાંડાફોડ

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જયંત પંડ્યાએ ભાવનગર જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી મહુવા પોલીસના સહયોગની માંગ કરી હતી. મહુવા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એમ. કરમઢાએ પરિસ્થિતિ પારખી તાત્કાલિક પોલીસ સ્ટાફ ફાળવ્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને ધૂણવાનો ઢોંગ કરી આરોપ મુકનાર અમન ખોડીફાસ સામે કાયદાકીય તેમજ વૈજ્ઞાનિક દલીલો રજૂ કરી હતી.

પોલીસ અને વિજ્ઞાન જાથાના સચોટ વલણ સામે અમનનો પર્દાફાશ થઈ ગયો હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને જાહેરમાં કમુબેન તથા તેમના પરિવારની માફી માંગી હતી. ભવિષ્યમાં આવી અંધશ્રદ્ધા કે ખોટા આરોપો નહીં લગાવવાની લેખિત બાંહેધરી અને કબૂલાતનામું આપતાં મામલો સંપૂર્ણપણે થાળે પડ્યો હતો. નિર્દોષ વૃદ્ધા પરથી કલંક હટતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.