Wed Jun 10 2026

Logo

મોઈત્રાના સવાલ પર સોશિયલ મીડિયા પર બબાલ, ગુજરાતી vs બંગાળીનો માહોલ

2026-03-29 19:26:55
Author: Mumbai Samachar Team
Article Image

ANI


કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ પાર્ટીઓ વચ્ચે આખલાયુદ્ધ જેવી આક્ષેપબાજી વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે આરોપપત્ર જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ સરકાર સામે ભાજપનું વલણ રજૂ કર્યાના થોડા સમય પછી આ બધું બહાર આવ્યું છે. આ સમય દરમિયાન, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે બંગાળીઓ ખૂબ જ ગૌરવશાળી કોમ છે. ચૂંટણી નજીક આવતા સામાન્ય રીતે જ્ઞાતિવાદ જોવા મળતો હોય છે આ વખતે કંઈક અલગ વલણ દેખાઈ રહ્યું છે. 

મોઈત્રાએ કહ્યું બંગાળી vs ગુજરાતી 
સાંસદે કહ્યું કે, અમે અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું. ગુજરાતીઓ કોણ હતા? કાળાપાણીની સજામાં મૃત્યું પામ્યા અને કેદ કરાયેલા લોકોમાંથી 68 ટકા પ્રજા બંગાળની હતી, એ પછી પંજાબીઓનો ક્રમ આવે છે. એ સમયે ત્યાં રહેલા કોઈ ગુજરાતી વ્યક્તિનું નામ યાદ છે ખરા? મહુઆ મોઈત્રાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બંગાળી vs ગુજરાતી વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોઈત્રાએ અમિત શાહ પર બંગાળીઓનું અપમાન કર્યાનો આરોપ મૂક્યો હતો. પોતાની વાત આગળ કરતા કહ્યું કે, તમે તો બંગાળીઓને અપરાધી જાહેર કરી દીધા.પહેલા તો તમે અમારૂ અપમાન કરો છો, પછી બધાથી વંચિત કરો છો, પછી અપરાધી જાહેર કરો છો પછી પરેશાન કરો છો. 

મોઈત્રાનો વિડિયો વાયરલ
બંગાળી એક ગૌરવશાળી કોમ છે. તમે વીર સાવરકર સિવાય જેઓ માત્ર બેઠા-બેઠા માફીનામું લખવા માગતા હતા ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો? મહેરબાની કરીને નામ કહેજો. મોઈત્રાનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એમની વાતને ક્વોટ કરીને ઘણા લોકોએ એમની આ વાત શેર કરી છે.સોશિયલ મીડિયા પર જોરશોરી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. હવે મોઈત્રાની વાત બાજુ પર રહી ચૂકી છે અને બંગાળી vs ગુજરાતીનો માહોલ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ કમ નથી. સોહમ નામના એક યુઝર્સે તેણીએ મહુઆ મોઇત્રાને ટેગ કર્યા, જેમાં દાદાભાઈ નૌરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, ભીખાજી કામા, મહાત્મા ગાંધી, અનસૂયા સારાભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત લગભગ 30 ગુજરાતીઓના નામોની યાદી તૈયાર કરીને મોઈત્રાને ટેગ કરી છે. 

આંખ ખોલીને વાંચી લો
સોહમ નામના આ યુઝર્સે એવું પણ લખ્યું હતું કે, આંખ ખોલીને વાંચી લો.એક યુઝર્સે લખ્યું હતું કે, આવું ગુજરાતી નેતાઓને પૂછો અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ તેમણે કર્યો છે. તેથી સંપૂર્ણ યાદી સાથે હું એમને જવાબ આપીશ.પણ મને બંગાળી બહેનો અને ભાઈઓ માટે ઘણું માન છે. એમનો બોલવાની રીત દર્શાવે છે કે,તે ગુજરાતીઓથી કેટલી નફરત કરે છે. રોઝી નામની એક યુઝર્સે લખ્યું હતું કે, વીર સાવરકર ગુજરાતી ન હતા, તેઓ મરાઠી હતા. આ અજ્ઞાની લોકો છે, જેમની પાસે અધૂરી માહિતી છે અને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવા નીકળ્યા છે. દેશનું નેતૃત્વ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.આને આટલી ઊંચાઈ વાળી પોસ્ટ પણ કોને બેસાડી દીધી?

નશો કરીને બેઠા લાગે છે?
મોઈત્રા એ કોઈ નશો કર્યો લાગે છે,આ સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના યોગદાન પર સવાલ કરે છે અને વીર સાવરકરને ગુજરાતી કહે છે. ગાંધી અને સરદાર પટેલ વિશે કંઈ સાંભળ્યું છે ખરા? આવું પલ્લવી નામની યુઝર્સે પોસ્ટ કર્યું છે. અન્ય એક યુઝર્સે કહ્યું કે, મોઈત્રા બંગાળી નથી એમનો જન્મ પણ આસામમાં થયો છે. શિવ દુબે નામના બીજા એક યુઝરે લખ્યું કે, મહુઆ મોઇત્રા મહાત્મા ગાંધી (પોરબંદરના એક ગુજરાતી) ને બરતરફ કરે છે, જેમણે અસહકાર ચળવળ, દાંડી માર્ચ અને ભારત છોડો ચળવળનું નેતૃત્વ કર્યું હતું. ભારતને એક કરનાર ગુજરાતના 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પણ અવગણે છે. તે 'કાળા પાણી' ચળવળમાંથી ફિલ્ટર કરીને અહિંસાની મજાક કરી નાંખી છે. સાથે સાથે બંગાળના સશસ્ત્ર ક્રાંતિકારીઓનો મહિમાગાન પણ કરે છે. સાવરકર પર કાદવ ઉછાળે છે. આ એક તુચ્છ છે. સ્વતંત્રતા એક રાષ્ટ્રીય પ્રયાસ હતો, તમારી "બંગાળ વિરુદ્ધ ગુજરાત" બકવાસ છે. એક સાંસદ તરીકે, આવી પ્રાદેશિક દુશ્મનાવટ ફેલાવવી યોગ્ય નથી.