Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્રમાં મતદાર યાદીના SIRની મુદત વધારાઈ! 12 ઓક્ટોબર સુધી દાવા-વાંધા, 16 નવેમ્બરે અંતિમ યાદી

2026-09-26 21:40:18
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં મતદાર યાદીના SIRની મુદત વધારાઈ! 12 ઓક્ટોબર સુધી દાવા-વાંધા, 16 નવેમ્બરે અંતિમ યાદી

મહારાષ્ટ્રમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર)ની પ્રક્રિયાને હવે મુદતવધારો આપવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચે દાવા અને વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ વધારીને 12 ઓક્ટોબર 2026 કરી છે. મહારાષ્ટ્રની અંતિમ મતદાર યાદી હવે 16 નવેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયની વિનંતીને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. મળેલી નોટિસો, દાવા અને વાંધાઓનો નિકાલ કરવા માટે 10 નવેમ્બર 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી મતદાર યાદીમાં નામ, સરનામું અથવા અન્ય વિગતો સંબંધિત સુધારા કરાવવા ઇચ્છતા નાગરિકોને વધુ સમય મળશે. એસઆઈઆર દરમિયાન 'અનમેપ્ડ' મતદારો અથવા 'લોજિકલ ડિસ્ક્રેપન્સી' એટલે કે તાર્કિક વિસંગતતાના કારણે જેમને નોટિસ આપવામાં આવી છે, તેમના માટે પણ મહત્વની સુવિધા કરવામાં આવી છે. આવા મતદારો પાસેથી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તેમના ઘરે જશે.

દસ્તાવેજો ઘરેથી જ એકત્ર કરવામાં આવવાના હોવાથી સંબંધિત મતદારોએ ચૂંટણી નોંધણી અધિકારી (ઇઆરઓ) અથવા સહાયક ચૂંટણી નોંધણી અધિકારી (એઈઆરઓ)ની કચેરીમાં રૂબરૂ જઈને સુનાવણીમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં. માત્ર અપવાદરૂપ પરિસ્થિતિમાં જ ઓનલાઈન સુનાવણી યોજાશે. આવી સુનાવણીમાં મતદારની તરફથી પરિવારનો કોઈપણ પુખ્ત સભ્ય હાજર રહી શકશે.

બેઘર નાગરિકો, મજૂરો, ગરીબ લોકો અને રાત્રિ આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મતદાર નોંધણી તથા મતદાર યાદીમાં સુધારા સંબંધિત પ્રક્રિયા સરળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ જરૂરિયાત મુજબ વિશેષ હેલ્પ ડેસ્ક અને વિશેષ શિબિરોનું આયોજન કરશે. ચૂંટણી પંચના નવા સમયપત્રક મુજબ હવે 12 ઓક્ટોબર સુધી દાવા અને વાંધા રજૂ કરી શકાશે. ત્યારબાદ 10 નવેમ્બર સુધીમાં મળેલી નોટિસો, દાવા અને વાંધાઓનો નિકાલ કરવામાં આવશે અને 16 નવેમ્બર 2026ના રોજ મહારાષ્ટ્રની અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.