Thu Jun 04 2026

Logo

વિધાન પરિષદ ચૂંટણી મહાયુતિને મહાલાભ: 17માંથી પાંચ બિનહરીફ ચૂંટાયા

2026-06-04 20:34:55
Author: Vipul Vaidya
Article Image

સુનેત્રાતાઈએ શરદ પવારને ફોન કરતા પુણેમાં ખેલો થયો: એમવીએને ફટકો, કૉંગ્રેસનો દગાબાજીનો આરોપ: સંજય રાઉતનો 150 કરોડનો સોદો થયાનો આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિધાન પરિષદની ચૂંટણીને લઈને રાજ્યમાં ઘટનાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ મહાયુતિ માટે ઉમેદવારી પાછી ખેંચવાનો દિવસ મહાલાભકારી નિવડ્યો હતો અને વિધાન પરિષદની 17 બેઠકમાંથી પાંચ બેઠક પર બિનહરીફ તેમના ઉમેદવાર વિજયી થયા છે. બીજી તરફ આ ફટકો મહાવિકાસ આઘાડી (એમવીએ)ને પડ્યો છે અને હવે એમવીએના ઘટકપક્ષો વચ્ચે સંબંધો બગડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

કૉંગ્રેસે શરદ પવાર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવા માટે મુંબઈની હોટલમાં 150 કરોડનો સોદો થયો હતો. 

આવી જ રીતે વિધાન પરિષદની 17 બેઠકોમાં મહાયુતિમાં મોટા પાયે બળવો જોવા મળ્યો હતો. ઉમેદવારીમાં રસ ધરાવતા પરંતુ ટિકિટ ન મળતા ઘણા નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે આ બળવો મહાયુતિ માટે માથાનો દુખાવો બની શકે છે. પરંતુ અરજીઓ પરત ખેંચવાના છેલ્લા દિવસે, મહાયુતિએ આ બળવો અટકાવવામાં મોટી સફળતા મેળવી છે. 17 બેઠકોમાંથી, મહાયુતિએ આઠ બેઠકો બિનહરીફ જીતી છે. આમાં થાણે, કોંકણ, યવતમાળ, વર્ધા-ગઢચિરોલી-ચંદ્રપુર, પુણે અને અહિલ્યાનગરનો સમાવેશ થાય છે.

ધારાશિવમાં બળવો રોકવામાં સફળ

તુળજાપુરના ભાજપના મેયર વિનોદ ગાંગણેના પત્ની અર્ચના ગાંગણેએ આખરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. અર્ચના ગાંગણેએ ધારાશિવ, લાતુર, બીડ વિધાન પરિષદની ચૂંટણી માટે બળવો કરીને ઉમેદવારી નોંધાવી હતી. હવે આ મતવિસ્તારમાં ભાજપ તરફથી બસવરાજ પાટીલ અને કોંગ્રેસ તરફથી મહેશ દેશમુખ વચ્ચે જંગ થશે. બીજી તરફ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી, જે મહાવિકાસ આઘાડીનો એક ઘટક પક્ષ છે, તેના બે અપક્ષ ઉમેદવારો હજુ પણ મેદાનમાં છે.

નાંદેડમાં શું સ્થિતિ છે?

નાંદેડ વિધાન પરિષદની ચૂંટણીમાં બળવો રોકવામાં મહાયુતિ પણ સફળ રહી છે. એનસીપીના વિધાનસભ્ય પ્રતાપ પાટીલ ચિખલીકરના પુત્ર પ્રવીણ પાટીલ ચિખલીકરએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ભાજપના અમરનાથ રાજુરકરને નાંદેડમાં મહાયુતિ તરફથી ઉમેદવારી આપવામાં આવી છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં સાંસદ અશોક ચવ્હાણ અને વિધાનસભ્ય પ્રતાપ પાટિલ ચિખલીકરે મળીને પ્રવીણ પાટિલ ચિખલીકરની ઉમેદવારી પાછા ખેંચવાની જાહેરાત કરી હતી, જે મુજબ પ્રવીણ પાટિલ ચિખલીકરે હવે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

નાશિકમાં તણાવ હજુ પણ યથાવત

નાશિકથી મોટા સમાચાર આવ્યા છે કે, મહાયુતિમાં શિવસેના શિંદે જૂથને નાશિક વિધાન પરિષદની બેઠક મળી છે. જોકે, બીજી તરફ, એનસીપી તરફથી વિષ્ણુપંત મ્હૈસધુને અને ગોરખ બોડકેએ આ વિધાન પરિષદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે પોતાના ઉમેદવારી પત્ર પાછા ખેંચી લીધા છે. બીજી તરફ, ગણેશ ગીતેએ ભાજપ તરફથી તે જ મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે તેમના ભાઈ ગોકુલ ગીતેએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. દરમિયાન, ગણેશ ગીતે પોતાના ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, પરંતુ ગોકુલ ગીતે હજુ પણ મેદાનમાં હોવાથી, નાસિકમાં મહાયુતિમાં તણાવ વધી ગયો છે.

પરભણી-હિંગોલી વિધાન પરિષદ

પરભણી-હિંગોલી વિધાન પરિષદમાં મહાયુતિના બે એનસીપી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પાછા ખેંચી લીધા છે. રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતના સૌજન્યથી સફળતા મળી છે. એનસીપીના સંગ્રામ જામકર અને વિજય જામકરે પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે. બંનેએ એનસીપી વિધાનસભ્ય રાજેશ વિટેકર અને મિત્ર પક્ષના વિધાનસભ્ય રત્નાકર ગુટ્ટેની હાજરીમાં પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે.

યવતમાળમાં પણ બળવાખોરોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા

યવતમાળ વિધાન પરિષદની ચૂંટણીમાં, એનસીપીના બળવાખોર ઉમેદવાર સાજિદ બેગે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને તેમણે એવી પણ જાહેરાત કરી છે કે તેઓ હવે મહાયુતિના ઉમેદવાર સાથે છે. બીજી તરફ, ભાજપના બળવાખોર ઉમેદવાર નીતિન ભુતાડાએ પણ આ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

સાંગલી-સાતારા વિધાન પરિષદ

શિવસેનાના ઉમેદવારે સાંગલી-સતારા વિધાન પરિષદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મિનિસ્ટર શંભુરાજ દેસાઈ સાથેની મુલાકાત બાદ, તાનાજી પાટીલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે, તેથી હવે મહાયુતિ આ વિધાન પરિષદ મતવિસ્તારમાં બળવો અટકાવવામાં સફળ રહી છે.

નાગપુર વિધાન પરિષદની ચૂંટણી

નાગપુર વિધાન પરિષદમાં કોંગ્રેસ તરફથી અરજી દાખલ કરનારા દિનેશ ધોળેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસ તરફથી સાવચેતી રૂપે, દિનેશ ધોળેએ અતુલ લોંઢે સાથે ડમી ઉમેદવારી નોંધાવી હતી, જે આ ચૂંટણીમાંથી ખસી ગયા છે. દિનેશ ધોળે ચૂંટણીમાંથી ખસી ગયા હોવાથી, હવે અતુલ લોંઢે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હશે, તેથી હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થશે અને અહીં ભાજપ તરફથી ડો. રાજીવ પોતદારને ઉમેદવારી આપવામાં આવી છે.

ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ બિનહરીફ વિધાન પરિષદ

1. વર્ધા-ગઢચિરોલી-ચંદ્રપુર: અરુણ લાખાણી
2. પુણે: વિક્રમ કાકડે
3. થાણે: રવિન્દ્ર ફાટક
4. રાયગડ-રત્નાગિરી-સિંધુદુર્ગ: અનિકેત તટકરે
5. યવતમાળ - દુષ્યંત ચતુર્વેદી (શિવસેના શિંદે જૂથ)

ઉમેદવારી પાછી ખેંચનારા ઉમેદવારોના નામ

કોંકણ: બાલ માને, શિવસેના (યુબીટી)
પુણે: સુનિલ ટિંગરે, એનસીપી
નાસિક: ગણેશ ગીતે, અપક્ષ-ભાજપ 
અહિલ્યાનગર: કરણ સાસણે, અપક્ષ-કોંગ્રેસ
થાણે - અભિજિત પવાર, એનસીપી 
યવતમાળ: સૈયદ ફારૂક, અપક્ષ-એમવીએ
નાંદેડ: પ્રવીણ પાટીલ ચીખલીકર, ભાજપ
છત્રપતિ સંભાજીનગર: સમીર સત્તાર, શિવસેના
પુણે - ભાજપના બળવાખોર પ્રદીપ કાંડ
નાગપુર- સુરેન્દ્ર લોહી, શેકાપ
સાંગલી સાતારા - તાનાજીરાવ પાટીલ, શિવસેના 
કોંકણ: અરવિંદ મ્હાત્રે, શેકાપ
માનસી મ્હાત્રેનું નામાંકન પત્ર પાછું ખેંચ્યું
સોલાપુર - ઠાકરે જૂથના ધનંજય ડિકોલે અરજી પાછી ખેંચી, શિંદે જૂથના નેતા, અપક્ષ ઉમેદવાર મહેશ સાઠેએ અરજી પાછી ખેંચી
સાંગલી-સાતારા - તાનાજી પાટીલની અપક્ષ ઉમેદવારીની અરજી પાછી ખેંચી
જળગાંવ - શિવસેના શિંદે જૂથની રેશ્મા કાળે
અહિલ્યાનગર - કમલેશ હસ્તમલ ગાંધી, કૉંગ્રેસ
પરભણી - ભાજપના બળવાખોર વિશ્વજીત બુધવંત

રાજ્યની 12 બેઠકો પર મુખ્ય લડાઈ

1. સોલાપુર: રાજેન્દ્ર રાઉત (ભાજપ) વિ. વસંતરાવ દેશમુખ (એનસીપી-એસપી)

2. અહિલ્યાનગર - પ્રાજક્ત તનપુરે (ભાજપ) વિ. દત્તાત્રેય પાનસરે (અપક્ષ)

3. જળગાંવ: નંદકિશોર મહાજન (ભાજપ) વિરુદ્ધ શરદ તાયડે (શિવસેના-યુબીટી) 

4. સાંગલી-સાતારા: ધૈર્યશીલ કદમ (ભાજપ) વિ. અભયસિંહ જગતાપ (એનસીપી-એસપી) વિ. કિશોર ધૂમલ (અપક્ષ)

5. નાંદેડ: અમર રાજુરકર (ભાજપ) વિ. રામદાસ પાટીલ (કોંગ્રેસ)

6. ભંડારા-ગોંદિયા: નરેશ ઈશ્ર્વરકર (કોંગ્રેસ સમર્થન) વિ. અવિનાશ બ્રાહ્મણકર (ભાજપ)

7. નાશિક: ગોકુલ ગીતે (અપક્ષ) વિ. નરેન્દ્ર દરાડે (શિવસેના)

8. અમરાવતી: હર્ષદીપ દેશમુખ (કોંગ્રેસ) વિ. પ્રવીણ પોટે (ભાજપ) વિ. નિલેશ વિશ્વકર્મા (વંચિત)

9. ધારાશિવ-લાતુર-બીડ: બસવરાજ પાટીલ (ભાજપ) વિ. મહેશ દેશમુખ (કોંગ્રેસ)

10. પરભણી-હિંગોલી: સઈદ ખાન (શિવસેના) વિરુદ્ધ ડો. વિવેક નાવંદર (ઠાકરેની શિવસેના) વિરુદ્ધ સુશીલ દેશમુખ (સ્વતંત્ર)

11. છત્રપતિ સંભાજીનગર-જાલના: સુહાસ શિરસાટ (ભાજપ) વિ. ગણેશ લોખંડે (શિવસેના-યુબીટી)

12. નાગપુર (પેટા-ચૂંટણી): ડો. રાજીવ પોતદાર (ભાજપ) વિ. અતુલ લોંઢે (કોંગ્રેસ)