નવા શૈક્ષણિક સત્ર (2026-27)થી સ્કૂલ બસ એસોસિએશન દ્વારા ફી વધારવાનો નિર્ણય; ઇંધણના ભાવ અને મેઇન્ટેનન્સ ખર્ચ જવાબદાર
મુંબઈઃ પેટ્રોલ-ડીઝલ સહિત સીએનજીના ભાવમાં થઈ રહેલા વધારાની અસર જીવનજરુરી ચીજવસ્તુઓ પર જોવા મળી છે, પરંતુ ધીમે ધીમે હવે સ્કૂલ બસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે કરેલી માગણીઓ પુરી નહીં થતા હવે સ્કૂલ બસના સંચાલકો દ્વારા બસ ફીમાં 15 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે વર્ષ જૂન, 2026-27થી લાગુ થશે.
આ જૂન મહિનામાં શરૂ થતા નવા સત્રથી વિદ્યાર્થીઓની સ્કૂલ બસ ફીમાં 15 ટકા જેટલો વધારો કરવામાં આવશે. જેની દરેક વાલીઓને નોંધ લેવી પડશે. બસ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે આ વધારો ફક્ત પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના કારણે નહીં પણ અન્ય ખર્ચ પૈકી બસના સ્ટાફની સેલરી અને બસના મેઇન્ટેનન્સ અને બસ સ્પેરપાર્ટ રિપેરિંગમાં થતા ખર્ચના કારણે વધારવામાં આવી રહ્યો છે. ઉપરાંત, વીમો, ટોલટેક્સ સહિત અન્ય ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાથી વધારો કરવાનો નિર્ણય લીધો છે.
બસ એસોસિયેશને દાવો કર્યો છે કે અમે લોકો ભાવ વધારવા ઈચ્છતા નથી. આ અંગે સરકારને પણ અગાઉ અનુરોધ કર્યો હતો, પરંતુ અમને સરકાર તરફથી પણ કોઈ મદદ મળી નથી. આ જ કારણથી અમારે આકરો નિર્ણય લેવો પડ્યો છે અને વાલીઓને પણ સહકાર કરવાની અપીલ કરીએ છીએ તેમ જ સરકાર પણ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવે એવી ભલામણ કરીએ છીએ, એમ એસોસિયેશને જણાવ્યું હતું.
બસના એક સંચાલકે જણાવ્યું હતું કે અમે પણ ભાવવધારાના વિરુદ્ધમાં છીએ, પરંતુ જે રીતે ડીઝલના ભાવ વધતા જાય છે. જો સરકાર ભાવવધારો ઈચ્છે તો એક યોગ્ય જાહેરાત દ્વારા કેટલો ભાવ વધશે. અમે સંચાલન ખર્ચ માટે પૂર્વ તૈયારી કરી શકીએ. અહીં એ જણાવવાનું કે સમગ્ર રાજ્યમાં 40,000 જેટલી સ્કૂલ બસ દોડે છે, જેમાં દરરોજ 1.2 લાખ લીટર જેટલા ડીઝલનો વપરાશ થાય છે એટલે ઇંધણ ખર્ચનો ભાર વધારે લાગે છે.