મુંબઈ: મહારાષ્ટ્રમાં વાહન ચાલકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પહેલી એપ્રિલ, 2019 પહેલાં નોંધાયેલા તમામ વાહનો પર હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે 30મી જૂન, 2026 અંતિમ મુદત નક્કી કરવામાં આવી છે. પહેલી જુલાઈથી આ નિયમનું પાલન નહીં કરનારા વાહનમાલિકો સામે મોટર વાહન કાયદા (મોટર વ્હીકલ એક્ટ) હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, એચએસઆરપી પ્લેટ વગરના વાહનોના આરટીઓને લગતા અનેક મહત્વના કામો પણ અટકાવી દેવામાં આવશે.
આરટીઓની આ સુવિધાઓ થઈ જશે બંધ
જે વાહનધારકો પોતાના વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવે, તેમને આરટીઓ તરફથી મળતી નીચે મુજબની સેવાઓનો લાભ મળી શકશે નહીં-
વાહન ટ્રાન્સફર
સરનામું બદલવું
લોન ચઢાવવી કે ઉતારવી
વાહનનું રી-રજિસ્ટ્રેશન
વાહનમાં કોઈ ફેરફાર કરવો
લાયસન્સ રિન્યુઅલ
જોકે, વાહનના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલ માટે આ શરત લાગુ પડશે નહીં.

એપોઇન્ટમેન્ટ લેનારાઓને અપાશે રાહત
પરિવહન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે વાહનધારકોએ ૩૦ જૂન સુધીમાં HSRP પ્લેટ લગાવવા માટે સત્તાવાર રીતે એપોઇન્ટમેન્ટ (બુકિંગ) લઈ લીધી હશે, તેમને ૧ જુલાઈથી શરૂ થનારી દંડાત્મક કાર્યવાહીમાંથી કામચલાઉ રાહત આપવામાં આવશે.
એચએસઆરપી માટે સત્તાવાર એજન્સીઓ અને નક્કી કરાયેલા દરો
મહારાષ્ટ્ર રાજ્યમાં એચએસઆરપી લગાવવાની કામગીરી માટે ત્રણ અલગ-અલગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ઝોન-1 માટે 'રોઝમેર્ટા ટેક્નોલોજીસ લિમિટેડ', ઝોન-2 માટે 'રિયલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ' અને ઝોન-3 માટે 'એફટીએ એચએસઆરપી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ' કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે.
સરકાર દ્વારા આ નંબર પ્લેટ લગાવવા માટેના સત્તાવાર દરો (જીએસટી વગર, ફિટમેન્ટ ચાર્જ સાથે) નીચે મુજબ નક્કી કરાયા છે:
ટુ-વ્હીલર: રૂપિયા 450
થ્રી-વ્હીલર: રૂપિયા 500
લાઇટ મોટર વ્હીકલ અને હેવી કોમર્શિયલ વ્હીકલ: રૂપિયા 745
પોલીસ અને આરટીઓ સંયુક્ત કાર્યવાહી કરશે
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989ના નિયમ 50 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ પોલીસ અને પરિવહન વિભાગ (RTO) સંયુક્ત અથવા સ્વતંત્ર રીતે આ દંડાત્મક ઝુંબેશ ચલાવશે. પરિવહન વિભાગના જોઈન્ટ કમિશનર શૈલેષ કામતે અપીલ કરી છે કે તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓએ પણ 30મી જૂન પહેલાં તેમના તાબા હેઠળના તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ લગાવી લેવી અનિવાર્ય છે.