મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી ફ્લાય એશ (કોલસાની રાખ)ના અવૈજ્ઞાનિક નિકાલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સરકારે રાજ્ય વિધાનસભામાં ફ્લાય એશના નિકાલ અને તેની પર્યાવરણીય અસર ખાસ કરીને ચંદ્રપુર જિલ્લામાં ઉઠાવવામાં આવેલી ગંભીર ચિંતાને પગલે થર્મલ પાવર પ્લાન્ટ્સના ઓડિટની માંગણી સ્વીકારી લીધી હતી.
ભારતીય જનતા પક્ષના વિધાન સભ્ય સુધીર મુનગંટીવાર દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેર હિતના તાત્કાલિક મુદ્દાને લગતી ધ્યાન આકર્ષક સૂચનાનો જવાબ આપતા પર્યાવરણ પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે સરકાર થર્મલ પાવર પ્લાન્ટ્સની સમીક્ષા કરી ફ્લાય એશ મેનેજમેન્ટ પદ્ધતિ પર્યાવરણીય ધોરણોનું પાલન કરે છે કે નહીં તે ચકાસવામાં આવશે.
ગૃહમાં આ મુદ્દો ઉઠાવી મુનગંટીવારે જણાવ્યું હતું કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી ફ્લાય એશનો ઉપયોગ રસ્તાના બાંધકામ, સિમેન્ટ કોંક્રિટ અને ઈંટના ઉત્પાદનમાં થઈ શકે છે, પરંતુ તેને ઘણીવાર અવૈજ્ઞાનિક રીતે ઠાલવવામાં આવતા પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત તકલીફ થવાનો આરોપ મૂક્યો હતો.
મોટા પાયે ફ્લાય એશના સંચયના કિસ્સાઓનો ઉલ્લેખ કરી તેમણે રાજ્યના મુખ્ય વીજ ઉત્પાદન કેન્દ્ર ચંદ્રપુરમાં અને ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ્સ પર કડક દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
કોલસા આધારિત થર્મલ પાવર ઉત્પાદનની આડપેદાશ એવા ફ્લાય એશનો ઉપયોગ બાંધકામ અને માળખાગત પ્રોજેક્ટ્સમાં વ્યાપકપણે થાય છે. જો કે, પર્યાવરણીય જૂથો અને સ્થાનિક રહેવાસીઓએ વારંવાર અયોગ્ય નિકાલ પદ્ધતિ અને જમીન, પાણી અને હવાની ગુણવત્તા પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ચર્ચામાં સહભાગી થયેલા શિવસેના (યુબીટી)ના વિધાન સભ્ય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે પૂરતા વૈજ્ઞાનિક રક્ષણ વિના ઘણી જગ્યાએ ફ્લાય એશ સંગ્રહસ્થાન બનાવવામાં આવી રહ્યા છે.
નાંદગાંવ ગામની મુલાકાતનો ઉલ્લેખ કરી તેમણે દાવો કર્યો હતો કે સેંકડો એકર જમીન ફ્લાય એશના ભંડારથી ઢંકાયેલી છે, જે સ્થાનિક પર્યાવરણ અને રહેવાસીઓને અસર કરે છે. માંગણી સ્વીકારી મુંડેએ ગૃહને જણાવ્યું કે આ મુદ્દો ગંભીર છે અને તેની ઝીણવટથી તપાસ થવી જોઈએ.
(પીટીઆઈ)