Sat Apr 18 2026

Logo

રાજ્યમાં ગેરકાયદે લવાતાં વ્હિસ્કી-બિયરનાં 615 બૉક્સ જપ્ત: એકની ધરપકડ

2026-03-07 18:46:45
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દાદરા-નગર હવેલીમાં વેચાણ માટેની વ્હિસ્કી-બિયર મહારાષ્ટ્રમાં ગેરકાયદે લાવવામાં આવતી હોવાનું સામે આવતાં સ્ટેટ એક્સાઈઝ વિભાગે કાર્યવાહી કરી હતી. વ્હિસ્કી-બિયરનાં 615 બૉક્સ ભરેલો ટમ્પો જપ્ત કરી એક્સાઈઝ વિભાગે એક આરોપીની ધરપકડ કરી હતી.

મળેલી માહિતીને આધારે અધિકારીઓએ શુક્રવારે તલાસરીના ઉધવા નજીક છટકું ગોઠવી રાખ્યું હતું. શંકાસ્પદ જણાયેલા ટેમ્પોને આંતરી તેની તપાસ કરવામાં આવી હતી. ટેમ્પોમાં મોટા પ્રમાણમાં શરાબની બૉટલો ભરેલાં બૉક્સ રાખવામાં આવ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં આ વ્હિસ્કી-બિયર મહારાષ્ટ્રમાં ગેરકાયદે લઈ જવામાં આવતી હોવાનું જણાયું હતું. દાદરા અને નગર હવેલીમાં વેચાણ માટેનો આ શરાબનો સ્ટૉક હોવાનું માલૂમ પડ્યું હતું. સ્ટેટ એક્સાઈઝ વિભાગની ફરિયાદને આધારે તલાસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એકની ધરપકડ કરવામાં આવી હતી.

ટેમ્પોમાંથી રૉયલ સ્પેશિયલ, રૉયલ સ્ટેગ, ઈમ્પિરિયલ બ્લુ, રૉયલ ચૅલેન્જર્સ, ડીએસપી બ્લૅક વ્હિસ્કી સાથે બિયરની બૉટલ અને ટિનનાં બૉક્સ મળી આવ્યાં હતાં. 615 બૉક્સ જપ્ત કરવામાં આવ્યાં હોઈ તેની અંદાજે કિંમત 70 લાખ રૂપિયાથી વધુ હોવાનું અધિકારીનું કહેવું છે.