મુંબઈ : ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અંગે મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અજીત પવાર જન-જન સાથે જોડાયેલા નેતા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. અજીત પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. રાજ્યપાલે મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.

વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન સવારે પોણા નવ વાગ્યા આસપાસ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે રવાના થયેલા નેતા સાથે સર્જાયેલી આ હોનારતને પગલે પ્રશાસન અને રાજકીય આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા અને એવિએશન સેફ્ટી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
વિમાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયેલું અજિત પવારનું ખાનગી ચાર્ટર્ડ પ્લેન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું. ત્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને પાયલટે વિમાન પરથી કાબૂ ગુમાવ્યો હતો.