Wed Aug 19 2026

Logo

આતંકવાદીઓના વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરનારો પડઘામાં પકડાયો

2026-08-15 19:16:22
Author: Yogesh C. Patel
Article Image

ANI


મુંબઈ: વૉન્ટેડ આતંકવાદીઓનાં ઉશ્કેરણીજનક ભાષણના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરનારા શકમંદને મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) ભિવંડી પાસેના પડઘા ખાતેથી પકડી પાડ્યો હતો.એટીએસે તાબામાં લીધેલા આરોપીની ઓળખ સોહેલ શેખ (35) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને પડઘા પોલીસને સોંપાયો હતો.

મળતી માહિતી અનુસાર નવી મુંબઈના તળોજાનો રહેવાસી 2021થી ભિવંડીના પડઘા ખાતે રહેવા આવ્યો હતો. ટ્રક ડ્રાઈવર શેખ પડઘાના અર્જુનલી વિસ્તારમાં રહેતો હતો. એટીએસે તેને ઘર નજીકથી તાબામાં લીધો હતો.

આરોપી વૉન્ટેડ જાહેર કરાયેલા આતંકવાદીઓનાં ભાષણના વીડિયો ઈન્ટરનેટ પરથી ડાઉનલૉડ કરતો હતો. પછી એ વીડિયો તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શૅર કરતો હતો. આરોપીએ શૅર કરેલા વીડિયોમાં લશ્કર-એ-તૈબાના કમાન્ડર ફરતુલ્લાહ ઘોરી અને જૈશ-એ-મોહમ્મદન પ્રમુખ મસૂદ અઝહરના વીડિયોનો પણ સમાવેશ થાય છે.

એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા આરોપી પાસેથી ડિજિટલ ડિવાઈસ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયાં હતાં. આ જ પ્રકરણમાં એટીએસે અન્ય ચાર શકમંદની પણ પૂછપરછ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.