(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસે કેશવરાવ ખાડ્યે રોડ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા કેબલ-સ્ટેડ ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરું કરીને તેને ખુલ્લો મૂકવાની યોજના છે.
ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્લાન મુજબ આ ફ્લાયઓવરનું કામ ચાલુુ રહ્યું છે ત્યારે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ)અભિજિત બાંગરે ગુરુવારે સાઈટ પર ઈન્સ્પેકશન કર્યું હતું અને અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી. કેશવરાવ ખાડયે રૂટ પર બાંધવામાં આવી રહેલો ‘કેબલ સ્ટેઇડ બ્રિજ’ રેલવે લાઇન પર મુંબઈ મહાનગરપાલિકાનો પહેલો કેબલ આધારિત બ્રિજ છે. આ પુલ મહાલક્ષ્મી રેલ્વે સ્ટેશન નજીક પશ્ર્મિમ રેલવે પરથી સાત રસ્તાથી મહાલક્ષ્મી મેદાનને આ બ્રિજ જોડે છે. આ બ્રિજની લંબાઈ ૮૦૩ મીટર અને પહોળાઈ ૧૭.૨ મીટર છે. રેલવે લાઇન ઉપર તેની પહોળાઇ ૨૩.૦૧ મીટર છે.
આ બ્રિજનું કામ પ્રગતિએ હોઈ કેબલ-સ્ટેડ બ્રિજને ટેકો આપવા માટે ૭૮.૫ મીટર ઊંચો પાયલૉન (ભવ્ય લોખંડનો થાંભલો) ઊભો કરવામાં આવ્યો છે. પાયલૉનની પશ્ર્મિમ તરફનો ૯૫ મીટર લાંબો સ્પાન પૂર્ણ થઈ ગયો છે. પૂર્વ બાજુએ ૧૬૫ મીટર લંબાઇનો સ્પાન રેલવે વિભાગ પાસેથી રેલવેની હદમાં આવેલા વિસ્તારમાં જરૂરી બ્લોક મેળવ્યા બાદ બાંધવામાં આવશે. પાયલૉનની પશ્ર્મિમ બાજુના મોટાભાગના થાંભલાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, ટ્રાફિક ડાયવર્ઝનના કામને કારણે પાંચ પિલરનું બાંધકામ બાકી છે. ટ્રાફિક પોલીસની પરવાનગી બાદ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
મહાનગરપાલિકા વતી કૉંક્રીટનો સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. વિવિધ યુટિલિટી ચેનલો નાખવાની કામગીરી પણ પ્રગતિમાં છે. ટ્રાફિક પોલીસના સંકલનમાં આ સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. એકંદરે પાલિકાા બ્રિજ વિભાગે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ફ્લાયઓવર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને ત્યારબાદ તેને ખુલ્લો મૂકવાનું આયોજન છે.