(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આજના જમાનામાં મોંઘવારીના જમાનામાં અનેક કુરિવાજોના દબાવમાં સમાજ સપડાય રહ્યો છે, ત્યારે મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ માટે એક નવું અને સર્વગ્રાહી સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરી આર્થિક અને શૈક્ષણિક મજબૂતી લાવવાના ઉદ્દેશ્ય સાથે ઘડાયેલા આ બંધારણમાં જન્મથી મરણ સુધીના પ્રસંગો માટે કડક અને સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરવામાં આવી હતી.
નવા સામાજિક બંધારણ મુજબ, દીકરા-દીકરીની સગાઈ વખતે લેતી-દેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ રૂ. 3 લાખ અને દાગીના 7 તોલા સુધી જ રાખી શકાશે. સગાઈ પછીના જલના પ્રસંગમાં માત્ર રૂ. 500 આપવા અને ચુંદડીના પ્રસંગમાં ત્રણ જોડી કપડાં જેવી મર્યાદાઓ મુકાઈ છે. લગ્ન પ્રસંગે દીકરી પક્ષે માત્ર 7 વ્યક્તિઓએ જ જવું અને મોટા જમણવાર ટાળવા જેવા નિયમો જાહેર કરાયા હતા. જો કોઈ પક્ષ આ નિયમોનો ભંગ કરશે, તો રકમ અને પ્રસંગ મુજબ રૂ. 11,000 થી લઈને રૂ. 1 લાખ સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. મરણ અને અન્ય ધાર્મિક પ્રસંગો માટે પણ બંધારણમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. મરણ પ્રસંગે મહિલાઓ માટે 'કોટ કાણ' કરવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને લૌકિક વાર માત્ર ત્રણ દિવસ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, માતાજીના માંડવામાં વેવાર પ્રથા બંધ કરી સાદું ભોજન રાખવાનો આગ્રહ કરાયો છે.