Fri May 01 2026

Logo

LPG અછત વચ્ચે રાહતના સમાચાર! હોર્મુઝની ખાડીમાંથી વધુ બે ભારતીય ટેન્કરો ભારત આવવા રવાના...

2026-03-24 09:28:02
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી LPGની અછત વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કરો, 'પાઈન ગેસ' અને 'જગ વસંત', હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. આ બંને જહાજો આગામી બે દિવસમાં ભારતીય કિનારે પહોંચે તેવી શક્યતા છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ ટેન્કરોએ સોમવારે સવારે પર્સિયન ગલ્ફથી પોતાની સફર શરૂ કરી હતી અને ઈરાનના લારક અને કેશમ ટાપુઓ વચ્ચેના પાણીમાંથી પસાર થયા હતા, જેથી ઈરાની સત્તાવાળાઓ સમક્ષ પોતાની ઓળખ સ્પષ્ટ કરી શકાય. આ બંને જહાજોમાં કુલ 60 ભારતીય ખલાસીઓ સવાર છે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ બંને જહાજો 92,612 ટન એલપીજી લઈને આવી રહ્યા છે, જે દેશના અંદાજે એક દિવસના રાંધણ ગેસના વપરાશ જેટલો પુરવઠો છે. આ ટેન્કરો 26 થી 28 માર્ચની વચ્ચે ભારતીય બંદરો પર પહોંચે તેવી ધારણા છે.

 અગાઉ 'MT શિવાલિક' અને 'MT નંદા દેવી' નામના ટેન્કરો પણ આશરે 92,712 ટન એલપીજી લઈને સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ થઈ જતાં પર્સિયન ગલ્ફમાં જે 22 ભારતીય જહાજો ફસાયા હતા, તેમાં આ ટેન્કરોનો સમાવેશ થાય છે.

યુદ્ધની શરૂઆતમાં હોર્મુઝની ખાડીમાં કુલ 28 ભારતીય જહાજો હતા, જેમાંથી હવે પશ્ચિમ બાજુએ 20 જહાજો બાકી રહ્યા છે. આ જહાજોમાં 600 જેટલા ભારતીય ખલાસીઓ કાર્યરત છે. સરકારનું મુખ્ય ધ્યાન આ તમામ ખલાસીઓની સુરક્ષા અને સુખાકારી પર છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જહાજ પર સવાર ખલાસીઓ માટે ખોરાક કે પીવાના પાણીની કોઈ અછત નથી. 

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનો 88% ક્રૂડ ઓઈલ, 50% નેચરલ ગેસ અને 60% એલપીજી આયાત કરે છે, જેનો મોટો હિસ્સો આ ખાડીથી આવે છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠામાં થયેલા વિક્ષેપને રશિયા અને અન્ય દેશો દ્વારા સરભર કરવામાં આવ્યો છે, પરંતુ ગેસ અને એલપીજીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો હતો.