Thu Sep 03 2026

Logo

ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, લોકસભામાં 10 કલાકના મહામંથનની શરૂઆત

2026-03-10 13:15:00
Author: Mayur Patel
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, લોકસભામાં 10 કલાકના મહામંથનની શરૂઆત

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર 10 કલાકની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ ડો. મોહમ્મદ જાવેદે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. લોકસભામાં પીઠાસીન અધિકારી જગદંબિકા પાલે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવાની મંજૂરી આપી હતી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 10 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અમે ઓમ બિરલા સામે પ્રસ્તાવ લાવીને દુખી પણ...

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ચર્ચામાં ભાગ લેતી વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, સ્પીકર હોય કે સ્પીકરની ખુરશી પર જે બેઠા હોય તેમની પાસેથી ભેદભાવ નહીં કરે તેવી આશા રાખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું ગૃહમાં માઈકને પણ શસ્ત્ર બનાવાયું છે. વિપક્ષના સાંસદોને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી. સંસદમાં શું ચાલે છે તે દેશના લોકોને ખબર પડવી જોઈએ. આ પ્રસ્તાવ લાવીને અમને ખુશી નથી થઈ રહી. ઓમ બિરલા સામે કોઈ વ્યક્તિગત દુશ્મની પણ નથી પરંતુ ખોટી વાતો પર સવાલ ઉઠાવવા અમારું કર્તવ્ય છે.

સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રાખ્યું છેઃ કેસી વેણુ ગોપાલ

લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂકને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રાખ્યું છે, જેના કારણે એક પ્રકારનો બંધારણીય શૂન્યાવકાશ સર્જાયો છે. તેમણે કહ્યું કે ગૃહમાં એવા સભ્યની પસંદગી કરવી જોઈએ જે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કાર્યવાહીનું અધ્યક્ષપદ સંભાળી શકે.

બીજી તરફ, ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વિપક્ષના આરોપોને નકારી કાઢતા કહ્યું કે વિપક્ષની વાંધાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને સંસદની કાર્યવાહી નક્કી કરેલા નિયમો મુજબ જ ચાલી રહી છે.

લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન જગંદબિકા પાલની અધ્યક્ષતાને સરકારનું સમર્થનમળ્યું છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું, જ્યારે સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે ત્યારે આ સ્થિતિમાં ચેરપર્સનની પેનલના કોઈ સભ્ય ગૃહની અધ્યક્ષતા કરી છે અને તેના આધાર પર જગદંબિકા પાલ કાર્યવાહી ચલાવી રહ્યા છે.  નિયમો અનુસાર જ્યારે સ્પીકરને હટાવવાના પ્રસ્તાવની ચર્ચા હોય ત્યારે સ્પીકર ગૃહની અધ્યક્ષતા નથી કરતાં. આ સ્થિતિમાં ડેપ્યુટી સ્પીકર કે પેનલના કોઈ અન્ય સભ્ય ગૃહની કાર્યવાહીનું સંચાલન કરે છે.