Sat Sep 05 2026

Logo

ઉનામાં નરભક્ષી સાવજ પાંજરે તો પુરાયો, પણ ચાર વર્ષની બાળકીનો જીવ ગયો

2026-04-29 17:20:16
Author: Pooja Shah
ઉનામાં નરભક્ષી સાવજ પાંજરે તો પુરાયો, પણ ચાર વર્ષની બાળકીનો જીવ ગયો

અમદાવાદઃ સાસણ ગીર આસપાસના વિસ્તારોમાં સાવજનો ભય હંમેશાં રહે છે. અહીં વારંવાર સાવજ દ્વારા લોકો પર હુમલા થવાના અને બાળકોના મોત થવાના કિસ્સા બનતા રહે છે. આવા જ એક કિસ્સામાં ઊનાના ડામાસા ગામમાં સાવજે ચાર વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. જોકે ત્યારબાદ વન ખાતાએ સાવજને પાંજરે પૂર્યો હતો, પરંતુ ગ્રામવાસીઓએ વન ખાતાની સુરક્ષા રાખવામાં બેદરકારીનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો. 

આ ઘટના બની ત્યારે જીવાભાઈ પામકની પુત્રી, હેમાંશી, તેની માતા સવિતાબેન સાથે વાડી વિસ્તારમાં તેના ઘરના ઓટલા પર સાંજે 7 વાગ્યાની આસપાસ બેઠી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, સવિતાબેન તેના નાના પુત્રની સંભાળ રાખી રહ્યા હતા અને જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે અચાનક એક સિંહ ઘરમાં ઘૂસી ગયો હતો અને  બાળકને જડબાથી પકડી લીધું હતું અને નજીકના ખેતરો તરફ ભાગી ગયો.

ગામલોકોએ એલાર્મ વગાડીને પ્રાણીનો પીછો કર્યો હતો. સિંહ બાળકીને પકડીને 500 મીટર દૂર બાજરાના ખેતરમાં છોડી ભાગી ગયો હતો, પરંતુ બાળકીનું મોત નિપજ્યું હતું. 
સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે  આ વિસ્તારમાં સિંહોની વારંવાર અવરજવર હોવા છતાં, વન વિભાગ દ્વારા યોગ્ય રીતે પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઘટના બાદ અધિકારીઓ જ્યારે પહોંચ્યા ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

વધતા જતા રોષ વચ્ચે, વન વિભાગે નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને સહાયક સંરક્ષક કપિલ ભાટિયાની દેખરેખ હેઠળ મોડી રાત સુધી શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. જસાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.સી. ચૌહાણ અને ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણિયાની આગેવાની હેઠળ અનેક ટીમોએ વેટરનરી ડોક્ટરની મદદથી મદદથી આ વિસ્તારમાં શોધખોળ કરી હતી. 
સિંહને ચાર કલાકમાં શાંત કરવામાં આવ્યો હતો અને પાંજરામાં પૂરવામાં આવ્યો અને બાદમાં જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.