ભુજઃ લખપત તાલુકાના પાનધ્રો અને ફુલરા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી, જેણે હવે જોર પકડ્યું છે. તાજેતરમાં દીપડાએ એક ઘોડા (વછેરા) પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હોવાના વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પિંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરી છે.
કોંગ્રેસી અગ્રણી પી. સી. ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ રાત્રિના સમયે મિત્રો સાથે લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે દીપડાને એક ઘોડાને પકડીને જતા નજરોનજર જોયો હતો. ગ્રામજનોએ હાકલા-પડકારા કરતા દીપડો ભાગી છૂટ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘોડો ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યો હતો. આ ઘટના અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને તુરંત જાણ કરવામાં આવી હતી.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર આશરાએ જણાવ્યું હતું કે, દીપડો અને બે-ત્રણ બચ્ચાં આ વિસ્તારમાં હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલે છે. શિકારની પદ્ધતિને જોતા દીપડાએ મારણ કર્યું હોય તેવી જાણકારી મળી નથી, છતાં લોકોની સુરક્ષા અને ભય દૂર કરવા માટે વન વિભાગ સક્રિય બન્યું છે. જ્યાં ઘોડા પર હુમલો થયો હતો ત્યાં એક પિંજરું ગોઠવી દેવામાં આવ્યું છે, જ્યારે બીજું પિંજરું પાનધ્રો માઈન્સ વિસ્તાર પાસે ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે.
છેલ્લા ચાર મહિનામાં આ વિસ્તારમાં બે થી ત્રણ વખત દીપડો દેખાયાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સીમ વિસ્તારમાં રાત્રિના સમયે અવરજવર કરતા પશુપાલકો અને ખેત-મજૂરોમાં દીપડાના ભયને કારણે ફફડાટ ફેલાયો છે. જંગલ ખાતા દ્વારા લોકોને સતર્ક રહેવા અને રાત્રિના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)