Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જોખમમાં? અમરેલી, અમદાવાદ અને મોરબીમાં ઉપરાછાપરી હત્યાના બનાવો

2026-04-23 17:32:23
Author: Devayat Khatana
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જોખમમાં? અમરેલી, અમદાવાદ અને મોરબીમાં ઉપરાછાપરી હત્યાના બનાવો

Gemini Ai Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાતમાં એકતરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને વહીવટીતંત્ર શાંતિપૂર્ણ મતદાનની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હત્યાના ઉપરાછાપરી બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ધંધુકાના બનાવ બાદ અમરેલી, અમદાવાદ અને મોરબીમાં સામાન્ય બાબતો અને અંગત અદાવતમાં થયેલા લોહિયાળ ખેલને કારણે પોલીસની કામગીરી અને ગુનેગારોમાં ખાખીના ખોફ સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. 

મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા ફફડાટ ફેલાયો હતો. વડિયાના બરવાળા બાવીશી ગામની સીમમાં સોશિયલ મીડિયા માટે ટ્રેક્ટર ઉછાળી રીલ્સ બનાવવા મુદ્દે ટોકતા ખેતમજૂર રવિ કારોલીયાએ તેના જ માલિકના પુત્ર કરણભાઈ વાળાની હત્યા કરી નાખી હતી. આરોપીએ પૂર્વઆયોજિત કાવતરા મુજબ મૃતકને રસ્તામાં આંતરી લોખંડની પાઈપ અને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેનું બાઈક લૂંટીને ફરાર થઈ ગયો હતો. જિલ્લામાં લીલીયા અને રાજુલામાં પણ હત્યાના બનાવો બનતા ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પણ ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ બનતા કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં ૧૯ વર્ષના યુવક મોહમ્મદસાલિક શેખની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વેજલપુર પોલીસે આ મામલે મુખ્ય આરોપી રેહાન પઠાણ સહિત ત્રણની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયાની આભાસી દુનિયાની અદાવત વાસ્તવિક જીવનમાં જીવલેણ સાબિત થઈ રહી હોય તેવો આ કિસ્સો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ ઉપરાંત, મોરબીના માળિયા-હળવદ રોડ પર રૂપિયાની લેતીદેતીના મામલે અનિલ કંડિયા નામના યુવાનની છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. હોથલ ફાયનાન્સના શિવમ રબારીએ નાણાકીય વિવાદમાં કાવતરું ઘડી પાંચ માણસો મોકલી આ હુમલો કરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ ગુનામાં વપરાયેલી ઇકો ગાડી કબજે કરી મુખ્ય સૂત્રધાર શિવમ રબારી સહિત તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. રાજ્યભરમાં ટૂંકા ગાળામાં બનેલી આ હિંસક ઘટનાઓએ નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સામે મસમોટો પડકાર ઊભો કર્યો છે.