Thu Sep 03 2026

Logo

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ક્રૂઝનું લોન્ચિંગ

2026-08-04 16:47:00
Author: Pooja Shah
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ક્રૂઝનું લોન્ચિંગ

અમદાવાદઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દૃશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખી હવે વધુ વિશાળ, આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં  આવી છે.
 
નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. 

નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતાથી સજ્જ આ ક્રૂઝ એકતા નગરના પર્યટન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ આકર્ષણ બનશે.