Thu Jun 18 2026

Logo

અંજારમાં 'લગ્ને-લગ્ને કુંવારા' ઇશાકચંદ્રની જાન નીકળી: બે સદી જૂની પરંપરામાં આખું શહેર હિલોળે ચડ્યું

2026-03-04 11:37:00
Author: Mayurkumar Patel
Article Image

ભુજઃ કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં હોળી-ધુળેટીના પર્વ નિમિત્તે વર્ષો જૂની પરંપરા મુજબ 'લગ્ને-લગ્ને કુંવારા' એવા ઇશાકચંદ્રના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બસો વર્ષથી ચાલી આવતી આ વિશિષ્ટ પ્રથામાં જોડાવા માટે માત્ર અંજાર જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડ્યા હતા.

હોળાષ્ટકના પ્રારંભ સાથે જ શિવાજી રોડ પર સ્થિત આશાપુરા માતાજીના મંદિર પાસે વિધિવત માણેકસ્થંભની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉત્સવ માટે શહેરના મુખ્ય માર્ગોને આસોપાલવ અને શાકભાજીના અનોખા તોરણોથી શણગારવામાં આવ્યા હતા. બપોર બાદ ભીડ ચોક વિસ્તારમાંથી ઇશાકચંદ્રની ઊંટ ગાડી પર ભવ્ય જાનનું પ્રસ્થાન થયું હતું.

જાન શહેરના મુખ્ય માર્ગો જેવા કે કંસારા બજાર, ગંગાનાકા, મચ્છીપીટ અને મોહનરાયજી ચોક થઈને માણેકસ્થંભ પહોંચી હતી. ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલે લોકોએ લાઠીદાવ અને અંગ કસરતના વિવિધ દાવો રજૂ કરી શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. આ અવસરે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રથી આવેલી નર્તકીઓએ આકર્ષણ જમાવ્યું હતું. લગ્ન વિધિ દરમિયાન ફટાણા અને લગ્નગીતોની રમઝટ બોલી હતી.લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

હજારોની જનમેદનીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ સંપન્ન થયો હતો. જાનની પૂર્ણાહુતિ શિવાજી રોડ, સોરઠિયા ફળિયાથી માધવરાયજી ચોક અને કસ્ટમ ચોક થઈ ગંગાનાકા મધ્યે કરવામાં આવી હતી. 
 
(ઉત્સવ વૈદ્ય)