Fri Sep 11 2026

Logo

ઝુરા પંથકમાં હાહાકાર: ઝેરી અસરમાં સપડાયા ૫૦૦ પશુઓ, ૧૨ ગાયોએ જીવ ગુમાવ્યા

2026-05-11 12:29:00
Author: Mumbai Samachar Team
ઝુરા પંથકમાં હાહાકાર: ઝેરી અસરમાં સપડાયા ૫૦૦ પશુઓ, ૧૨ ગાયોએ જીવ ગુમાવ્યા

ભુજઃ ઝુરા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં એરંડાનો ચારો આરોગ્યા બાદ અચાનક ૫૦૦ જેટલા પશુઓને આફરો ચડતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ગામની ગૌશાળાની ૧૨ જેટલી ગાયો એકીસાથે મોતને ભેટતા ગૌપ્રેમીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.

હાલમાં પંથકમાં એરંડાનો પાક પૂર્ણ થયો હોવાથી અનેક ખેડૂતો પશુઓને ખેતરમાં ચરિયાણ (ભેલાણ) માટે છૂટ આપી રહ્યા છે. આજે સવારે ઝુરા ગામની ગૌશાળાની ૩૪૬ ગાયો અને અન્ય ભેંસો મળી કુલ ૫૦૦ જેટલા દૂધાળા પશુઓ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ચરિયાણ માટે ગયા હતા. ભારે ગરમી વચ્ચે એરંડાની કુમળી કૂંપણો ખાધા બાદ પશુઓને અચાનક આફરો ચડ્યો હતો અને તેઓ બેહોશ થઈ ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ ગામમાં થતા જ સરપંચ તુષાર ભાનુશાલી અને ગૌશાળાના સંચાલક શિવજી ભાનુશાલી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અસરગ્રસ્ત પશુઓને બચાવવા માટે લોકોએ તાત્કાલિક ઘરેલુ ઉપચારો શરૂ કર્યા હતા. પશુઓ પર ઠંડુ પાણી છાંટવામાં આવ્યું હતું તેમજ તેમને છાશ અને ઠંડા પીણા પીવડાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

ગ્રામજનોની કલાકોની મહેનત બાદ સેંકડો પશુઓને મોતમાંથી ઉગારી લેવામાં સફળતા મળી હતી, પરંતુ કમનસીબે ૧૨ ગૌમાતાઓ સારવાર કારગત નીવડે તે પહેલા જ મૃત્યુ પામી હતી. સરપંચના જણાવ્યા મુજબ, એરંડાની કૂંપણો ખાધા બાદ અતિશય ગરમીને કારણે પશુઓના પેટમાં ઝેરી અસર (આફરો) થવાથી આ બીમારી ફેલાઈ હતી. હજુ પણ સામાન્ય અસર ધરાવતા પશુઓની ઘરેલુ સારવાર ગામમાં ચાલુ રાખવામાં આવી છે.

આ ઘટનાને પગલે પંથકના પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને એરંડાના ખેતરોમાં પશુઓને ચરાવવા બાબતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)