Mon Oct 05 2026

Logo

કચ્છમાં અસહ્ય તાપ અને ઉકળાટનું જોર યથાવત્: ત્રણ દિવસ માટે 'યેલો એલર્ટ' જાહેર

2026-05-07 11:30:00
Author: Mayur Patel
કચ્છમાં અસહ્ય તાપ અને ઉકળાટનું જોર યથાવત્: ત્રણ દિવસ માટે 'યેલો એલર્ટ' જાહેર

ભુજઃ  કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં થઈ રહેલા સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં આજે ધૂપછાંવ જેવો મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. જોકે, આગામી ૮થી ૧૦ મે દરમિયાન ગરમીનું પ્રમાણ હજુ વધવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રણ દિવસ માટે 'યેલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

કચ્છના પૂર્વીય પંથક એવા અંજાર અને ગાંધીધામમાં સતત બીજા દિવસે પણ પારો ૪૧.૨ ડિગ્રી પર સ્થિર રહ્યો હતો. મધ્યાહ્ન સમયે આકરા તાપને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો અને પારો ૩૯.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો. બપોરે લૂ અને રાત્રિના સમયે પવનની ગતિ ઓછી રહેતા લોકોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો. કંડલા પોર્ટમાં ૩૭ ડિગ્રી અને નલિયામાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૨૪થી ૨૬ ડિગ્રીની વચ્ચે રહ્યો છે. પવનની ગતિ અગાઉના દિવસોની સરખામણીએ ઘટીને ૮થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહેતા ગરમીની તીવ્રતા વધુ વર્તાઈ રહી છે.

હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે તાપમાન પણ ઊંચકાશે, જેના કારણે ઉકળાટ અને ગરમી હજુ વધશે. આ સ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)