ભુજઃ કચ્છમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉનાળાનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. અંગ દઝાડતી આ આકરી ગરમી વચ્ચે પણ કચ્છના છેવાડાના વિસ્તારોમાં રહેતા ગ્રામવાસીઓ ચિંતામુક્ત દેખાઈ રહ્યા છે. આ નિશ્ચિંતતા પાછળનું મુખ્ય કારણ સદીઓ જૂની સ્થાપત્યકલાના બેનમૂન નમૂના સમાન પરંપરાગત મકાનો એટલે કે 'કચ્છી ભૂંગા' છે. આ ઇકો-ફ્રેન્ડલી મકાનો માત્ર તીવ્ર ગરમી જ નહીં, પરંતુ ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ સામે પણ ગ્રામજનો માટે સુરક્ષા કવચ સાબિત થયા છે.
'બિપરજોય' વાવાઝોડા દરમિયાન પણ આ મકાનો અડીખમ રહ્યા હતા
વર્ષ ૧૯૮૨થી કચ્છમાં ગ્રામીણ ઉત્થાન માટે કાર્યરત અને સિવિલ એન્જિનિયરિંગની પૃષ્ઠભૂમિ ધરાવતા કિરણ વાઘેલાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૧ના ૭.૭ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં કચ્છમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું, પરંતુ એક પણ પરંપરાગત ભૂંગો ધરાશાયી થયો ન હતો. આ જ રીતે વર્ષ ૨૦૨૩માં આવેલા 'બિપરજોય' વાવાઝોડા દરમિયાન પણ આ મકાનો અડીખમ રહ્યા હતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, ભૂંગાનો ગોળાકાર આકાર અને તેની શંકુ આકારની હલકી છત પવનના પ્રવાહને અવરોધવાને બદલે આજુબાજુ વહેંચી દે છે. સામાન્ય ચોરસ મકાનોમાં ભૂકંપનો આંચકો દીવાલો પર કેન્દ્રિત થતાં તે તૂટી પડે છે, જ્યારે ભૂંગાની ગોળાકાર દીવાલોમાં કોઈ ખૂણો ન હોવાથી ભૂકંપની તાકાત સમાન રીતે વહેંચાઈ જાય છે અને બાંધકામ મોટો ધક્કો પણ ખમી જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૧૮૧૯માં કચ્છમાં આવેલા મોટા ભૂકંપ સાથે ભુંગાનો ઇતિહાસ જોડાયેલો છે. જોકે, ધોળાવીરાની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ ઇસવીસન પૂર્વે ૧૩૦૦ની આજુબાજુના આવા ગોળાકાર મકાનોના ચિહ્નો મળી આવ્યા છે. ૧૮૧૯ના ભૂકંપ બાદ કચ્છ અને સિંધ પ્રાંતના કારીગરોએ ભવિષ્યના નુકસાનથી બચવા માટે મંથન કરીને આ ગોળાકાર સ્થાપત્યને વ્યાપકપણે અપનાવ્યું હતું.
ભૂંગો એ માત્ર એક સ્વતંત્ર ઓરડો નથી, પરંતુ આખા ઘરના સમૂહનો એક ભાગ છે
વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ એક ભૂંગો એ માત્ર એક સ્વતંત્ર ઓરડો નથી, પરંતુ આખા ઘરના સમૂહનો એક ભાગ છે. એક જ પ્રાંગણમાં પરિવારની જરૂરિયાત મુજબ એકથી વધુ ભૂંગા હોઈ શકે છે, જેની સાથે 'પેઢી' (બારણાં આગળનું છાપરું), 'ઓતાંગ' (મહેમાનો માટેનો રૂમ), 'છનોડિયા' (દીવાલ વગરનું છત્રી આકારનું છાપરું), 'રાંધણિયું' (રસોડું) અને 'નાયણી' (સ્નાનઘર) જોડાયેલા હોય છે.
વૈશ્વિક સ્તરે નો-કોસ્ટ હાઉસિંગ તરીકે ઓળખાય છે ભૂંગા
કચ્છના લૂડિયા ગામના ૬૭ વર્ષીય આચારભાઈ મારવાડા જણાવે છે કે, માટી, લાકડા અને ઘાસના ઉપયોગથી બનેલા ભૂંગામાં કુદરતી રીતે જ વાતાવરણ સમશીતોષ્ણ રહે છે. ઉનાળામાં તે અંદરથી અતિશય ઠંડા અને શિયાળામાં હૂંફાળા રહે છે. નિષ્ણાતોના મતે, બહારના તાપમાન અને ભૂંગાની અંદરના તાપમાનમાં ૫ ડિગ્રી સેલ્સિયસથી વધુનો તફાવત જોવા મળે છે. વળી, ગરમ કે ઠંડી હવા અંદર પ્રવેશતી અટકાવવા માટે તેના બારી-બારણાં ખૂબ નાના રાખવામાં આવે છે. સ્થાનિક સ્તરે જ સામગ્રી મળી રહેતી હોવાથી વૈશ્વિક સ્તરે તેને 'નો-કોસ્ટ હાઉસિંગ' તરીકે પણ જોવામાં આવે છે.
કેવી રીતે બને છે ભૂંગા
જોકે, આ ભવ્ય પરંપરાગત વારસો હવે આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ભૂંગાના નિર્માણ સાથે જોડાયેલા સ્થાનિક કારીગર કુંભાભાઈ મારવાડાના જણાવ્યા મુજબ, એક પરંપરાગત ભૂંગો તૈયાર કરતા આશરે બે મહિનાનો સમય લાગે છે. આ માટે ખાસ ચીકણી માટીમાં છાણ અને લાદ મિશ્રિત કરી, ૨૦ દિવસ પલાળી રાખ્યા બાદ ઇંટો તૈયાર કરવામાં આવે છે. છત માટે સ્થાનિક 'દાભડા' ઘાસ કે ડાંગરના પરાળનો ઉપયોગ થાય છે.
વરસાદની અનિયમિતતાને કારણે હવે સ્થાનિક સ્તરે દાભડો મળવો મુશ્કેલ બન્યો છે. વૈકલ્પિક રીતે વપરાતું ડાંગરનું પરાળ દર પાંચ વર્ષે સડી જતું હોવાથી છત બદલવાનો ખર્ચ વધી જાય છે. આ ઉપરાંત, દીવાલો અને ભોંયતળિયે વર્ષમાં બે વાર માટીનું લીંપણ કરવું પડે છે. જાળવણીની આ કઠિન પ્રક્રિયા અને આધુનિકરણના પ્રભાવ હેઠળ નવી પેઢી હવે પાકાં મકાનો તરફ વળી રહી છે.
આમ છતાં, આબોહવા પરિવર્તન અને સાતત્યપૂર્ણ વિકાસના આ યુગમાં કચ્છી ભૂંગાની પ્રાસંગિકતા આજે પણ અકબંધ છે. હાલના સમયમાં અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈ જેવા મોટા શહેરોના ધનિક લોકો પણ વૈભવી લાઈફસ્ટાઈલ અને રિસોર્ટ સંસ્કૃતિના ભાગરૂપે લાખો રૂપિયાના ખર્ચે આવા ભૂંગાનું નિર્માણ કરાવી રહ્યા છે, જે આ પ્રાચીન વાસ્તુકલાની ટકાઉ ક્ષમતાની સ્વીકૃતિ દર્શાવે છે.
(ઉત્સવ વૈદ્ય)