Tue Oct 06 2026

Logo

રાપર: ખેડૂતના 300 મણ એરંડામાં મધરાતે લગાવાઈ આગ, લાખોનું નુકસાન

2026-04-30 12:00:00
Author: Mayur Patel
રાપર: ખેડૂતના 300 મણ એરંડામાં મધરાતે લગાવાઈ આગ, લાખોનું નુકસાન

ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના નલિયા ટીમ્બા ગામે મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં રાખેલા એરંડાના ઢગલામાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપતા ચકચાર મચી ગઈ છે. અંદાજે 300 મણ જેટલા એરંડાના જથ્થાને નુકસાન પહોંચાડવાના આ કૃત્ય પાછળ અસામાજિક તત્વોનો હાથ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના નલિયા ટીમ્બાના ખેડૂત રૂપસંગજી ભગુજી જાડેજાની વાડીમાં બની હતી. રાત્રિના સમયે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજેના અવાજ અને ઉત્સાહના માહોલ વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ વાડીમાં રાખેલા એરંડાના ઢગલામાં દિવાસળી ચાંપી હતી. લગ્નના ઘોંઘાટને કારણે શરૂઆતમાં કોઈનું ધ્યાન આગ તરફ ગયું નહોતું.

વહેલી સવારે શાકભાજી લેવા નીકળેલા એક સતર્ક રાહદારીએ વાડીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોયા હતા. તેણે તુરંત ખેડૂત પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને ટ્રેક્ટર માલિકો પાણીના ટેન્કર અને કેરબા લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં એરંડાના જથ્થાનો ત્રીજો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જો સમયસર જાણ ન થઈ હોત તો લાખોની કિંમતના 300 મણ એરંડા સંપૂર્ણપણે નાશ પામ્યા હોત.

સ્થાનિક રહેવાસી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટના ઈરાદાપૂર્વક અંજામ આપવામાં આવી હોય તેમ જણાય છે. આ અંગે ગાગોદર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું આ કોઈ અંગત અદાવતનું પરિણામ છે કે અન્ય કોઈ કારણ  તે જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)