Mon Oct 05 2026

Logo

વાગડમાં વહેલી સવારે ચીસયારીઓ ગુંજી: જેસલમેર-ગાંધીધામ લક્ઝરી બસ પલટી, 30 મુસાફરો ઘાયલ

2026-05-08 12:29:00
Author: Mumbai samachar Team
વાગડમાં વહેલી સવારે ચીસયારીઓ ગુંજી: જેસલમેર-ગાંધીધામ લક્ઝરી બસ પલટી, 30 મુસાફરો ઘાયલ

ભુજઃ  રાજસ્થાનના જેસલમેરથી કચ્છના ગાંધીધામ તરફ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસને રાપર તાલુકાના પલાંસવા અને માખેલ વચ્ચે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. બસમાં તકનીકી ખામી સર્જાતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર અંદાજે ૫૦ પૈકી ૩૦ જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ચાર લોકોને વધુ સારવાર માટે ભુજ રિફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માતની આ ઘટના ગત શુક્રવારે વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યાના અરસામાં બની હતી. ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરો કંઈ સમજે તે પહેલા જ બસ પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ આડેસર, પલાંસવા અને ચિત્રોડની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આડેસર પોલીસ, ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને ૧૦૮ની ટુકડીએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા સંઘર્ષ કર્યો હતો. 

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મુસાફરો પૈકી રાકેશરામ, બીજારામ (બાડમેર), જયશ્રીબેન ગોવારિયા અને પૂજાબેન ગોવારિયાને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ૮ મુસાફરોને અસ્થિભંગ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું અને પલાંસવા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા સામાન્ય ઈજા પામેલા મુસાફરોની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.


(ઉત્સવ વૈદ્ય)