Wed Sep 16 2026

Logo

હનુમાન ચાલીસાનું અપમાન કરનાર નખત્રાણાની મિશનરી સ્કૂલના શિક્ષિકા ફરજમોકૂફ

2026-02-21 14:13:00
Author: Mumbai Samachar Team
હનુમાન ચાલીસાનું અપમાન કરનાર નખત્રાણાની મિશનરી સ્કૂલના શિક્ષિકા ફરજમોકૂફ

ભુજઃકચ્છના નખત્રાણા ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના હાથમાંથી હનુમાન ચાલીસાને બહાર ફેંકી દેવાના હિન્દુ સમાજની લાગણી દુભાવનારા બનેલા બનાવને પગલે ઉઠેલા ઉહાપોહ વચ્ચે મજબૂર થયેલા મિશનરી શાળાના સંચાલકોએ શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા હતા.

વિરોધ બાદ થઈ કાર્યવાહી

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીના હાથમાંથી હનુમાન ચાલીસા પુસ્તક ઝૂંટવી ફેંકી દીધાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, હિન્દુ સંગઠનના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યા બાદ શાળાના સંચાલકોએ શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા હતા.


હિન્દુઓની લાગણી દુભાવતી આ ઘટનાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌતમ ચૌધરી દ્વારા તપાસ અહેવાલ આવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે, તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ શાળામાં ડેમો શિક્ષક તરીકે ફરજ બજાવતા અમદાવાદના એક શખ્સે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઇ જવાના નામે વાલીઓ અને કથિત રીતે શાળાના આચાર્ય પાસેથી ચાર લાખથી વધારે રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો

(ઉત્સવ વૈદ્ય)