Sat Apr 25 2026

Logo

નખત્રાણા પંથકમાં દીપડાનો હાહાકાર: એક જ વર્ષમાં 60થી વધુ પશુઓનું મારણ કરતાં પશુપાલકોમાં ફફડાટ

2026-04-25 12:57:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ નખત્રાણા તાલુકા મથકથી માત્ર ૮ કિલોમીટરના અંતરે આવેલા વ્યાર અને જાડાય ગામની સીમમાં ઘુસી આવેલા હિંસક દીપડાએ ભારે આતંક મચાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ દીપડાએ અંદાજે ૬૦થી વધારે જેટલા નાના-મોટા પશુઓનો શિકાર કર્યો હોવાનું સામે આવતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

માલધારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઘેટાં-બકરાંનું મારણ કરનારા હિંસક દીપડાએ હવે ગૌવંશ પર હુમલા શરૂ કર્યા છે. ગત બુધવારે જાડાય-વ્યારની સીમમાં આઠ જેટલી વાછરડીઓને દીપડાએ ફાડી ખાતા માલધારીઓની ચિંતામાં વધારો થયો છે. સીમાડામાં પશુ ચરાવવા જતા માલધારીઓ હવે પોતાના અને પશુધનના જીવને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષમાં અનેક પશુઓના મારણ થયા હોવા છતાં વનતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની વળતર સહાય આપવામાં આવી નથી. અગાઉ સાત માસ પહેલા આ જ વિસ્તારમાં એક દીપડો વાડમાં ફસાઈ ગયો હતો, જેને વન વિભાગે બચાવીને જંગલમાં મુક્ત કર્યો હતો. માલધારીઓનું માનવું છે કે આ એ જ દીપડો છે જે ફરીથી આ વિસ્તારમાં સક્રિય થયો છે.

દીપડાના સતત વધતા હુમલાઓને જોતા નખત્રાણા પશ્ચિમ રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ. અરુણકુમાર સરવૈયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફોરેસ્ટર સંજયભાઈએ જણાવ્યું હતું કે, માલધારીઓને સાથે રાખીને દીપડાને પાંજરે પૂરવા માટે વ્યાર-જાડાયની સીમમાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

હાલ વન વિભાગની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને હિંસક પ્રાણીને ઝડપી પાડવા પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ માલધારીઓ વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)