Fri Jun 19 2026

Logo

કચ્છના માંડવીમાં સ્વામિનારાયણ સંતના નિવેદનથી વિવાદ સર્જાતા સંતે બ્રહ્મ સમાજની માફી માંગી

2026-05-22 20:26:55
Author: Chandrakant Kanoja
Article Image

માંડવી: કચ્છના માંડવી ખાતે આયોજિત એક ધાર્મિક મહોત્સવના મંચ પરથી ઉચ્ચારાયેલા એક શબ્દને કારણે મોટો સામાજિક અને ધાર્મિક વિવાદ સર્જાયો હતો. સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા 'વૃંદાવન સેવા અમૃત મહોત્સવ' દરમિયાન શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ માટે "ભીખ" શબ્દનો પ્રયોગ કરાતા વિવાદ ઉભો થયો હતો, જો કે, વકરતા વિવાદ વચ્ચે સંતે જાહેરમાં દિલગીરી વ્યક્ત કરતા આખરે મામલો શાંત પડ્યો છે.

બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો 

આ કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્વામીએ આ શબ્દપ્રયોગ કર્યો, ત્યારે મંચ પર હાજર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તાત્કાલિક સામો પ્રતિભાવ આપતા અસ્મિતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્યએ મંચ પરથી જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બ્રાહ્મણ કદી ભીખ માંગતો નથી, તે દાન સ્વીકારે છે. મંચ પર જ થયેલી આ શાબ્દિક ટક્કરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

સોશિયલ મીડિયા સંત વિરુદ્ધ આક્રોશ 

વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ચર્ચાઓનું ઘમસાણ શરૂ થઈ ગયું હતું. એક તરફ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામીના નિવેદનનો બચાવ કરી રહ્યા હતા, તો બીજી તરફ બ્રહ્મ સમાજના લોકો લાગણી દુભાઈ હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. 

જીભ લપસવાને કારણે ભીખ શબ્દ બોલાઈ ગયો હતો. 

વિવાદ વધુ વકરે તે પહેલાં જ સાંજના સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જિલ્લા, તાલુકા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાની ભૂલ સ્વીકારતા સ્પષ્ટતા કરી હતી કે, તેમનો આશય  "ભિક્ષા"  શબ્દ બોલવાનો હતો, પરંતુ જીભ લપસવાને કારણે ભીખ શબ્દ બોલાઈ ગયો હતો. 

કોઈપણ સમાજની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો

સંતે અત્યંત વિનમ્રતા દાખવતા કહ્યું કે, જો જરૂર જણાશે તો હું દંડવત પ્રણામ કરવા પણ તૈયાર છું.સંતની આ સાહજિક દિલગીરી અને વિનમ્રતાભર્યા વલણને પગલે ઉપસ્થિત બ્રહ્મ સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી. પરસ્પર સંવાદ અને સમજાવટ બાદ આ સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે અને મામલો સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો છે.

(ઉત્સવ વૈધ )