ભુજઃ કચ્છમાં પણ ગરમીનો પારો સતત ઊંચો આવી રહ્યો છે. સવારના દસ વાગ્યા બાદ તો આ તોબા પોકારતી ગરમી જનજીવનને બાનમાં લેવાનું શરૂ કરી દે છે. આજે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં આ કિલ્લેબંધ શહેર જાણે ગરમ તવામાં ફેરવાયું હતું, જયારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર પહોંચતાં ગાંધીધામ, આદિપુર,અંજાર,મેઘપર બોરીચી સહિતના વિસ્તારોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો.
સૂર્યનારાયણનો હાલ આકરો મિજાજ જોવા મળી રહ્યો છે અને મધ્યાહ્ને આભમાંથી અગન ગોળા વરસતા હોય તેવી અસહ્ય ગરમીથી જાણે કુદરતી સંચારબંધી હોય તેમ માર્ગો સૂમસામ બની જાય છે. ૪૧ ડિગ્રીએ તપેલા ભુજમાં દિવસભર પ્રતિ કલાક ૨૨થી ૨૫ કિલોમીટરની તેજ ગતિએ ફૂંકાતા ઉના પવનોએ ગરમીનો ડંખ વધારતાં શહેરીજનો અકળાયા હતા. કાળઝાળ ગરમીના કારણે મધ્યાહ્ને બજારો અને જાહેર માર્ગો પર નહિવત્ ચહલ પહલ જોવા મળી રહી છે.વળી, મોબાઈલ ફોનના વેધર એપ્લિકેશનમાં બપોરે એક વાગ્યે ભુજનું ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અલ્ટ્રા વાયોલેટનો ઇન્ડેક્સ પણ ૧૦ નોંધાયો હતો જે અતિ જોખમી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને રણકાંધીના ગામોમાં ગરમીની આણની વિશેષ અસર થઈ રહી છે. કચ્છના પશ્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં પણ તાપમાન ૩૮ ડિગ્રી પર પહોંચતાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ કચ્છના આ શીતમથકમાં પણ જોવા મળી રહ્યો છે. સીમાવર્તી રાપરમાં ઉષ્ણતામાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચતાં વાગડ વિસ્તાર લૂથી લાલચોળ બન્યો હતો. સરહદી ખાવડામાં પારો ૪૨ ડિગ્રીએ પહોંચતા રણકાંધી પણ ધગધગી ઉઠી હતી. ગરમીનો આકરો પ્રભાવ જનજીવન પર વર્તાઈ રહ્યો છે. પશુધનની હાલત પણ ગરમીના લીધે કફોડી બની રહી છે.
વર્ષાઋતુના આગમન આડે હજુ વાર હોતાં તાપની સાથે બફારા-ઉકળાટવાળા આડંગનો પણ લોકોએ સામનો કરવા તૈયાર રહેવું પડશે. ૨૫થી ૨૮ ડિગ્રી જેટલું રાત્રે પણ ઊંચું તાપમાન રહેતાં ગરમીથી છુટકારો મળતો નથી. દરિયાકાંઠાના શહેરો જેવા કે,માંડવી, મુંદરા ખાતે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જેટલું રહેવા પામ્યું હતું જો કે ગરમીની તીવ્રતાનો આંક ૪૨ ડિગ્રી જેટલો ઊંચો રહેવા પામ્યો હતો. ગરમીનું આ ભીષણ મોજું હવે દરિયામાં તેની અસર વર્તાવી રહ્યું છે અને તેની અસર હેઠળ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભાં થઇ રહ્યાં છે જેથી આગામી વર્ષાઋતુ વહેલી બેસે તેવી સંભાવના મોસમ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે,ભારતમાં ચોમાસું બેસવા પૂર્વે એપ્રિલમાં વાવાઝોડાની મોસમ શરૂ થાય છે અને આંદામાન-નિકોબાર તેમજ કેરળના કાંઠે પ્રિ-મોન્સૂન એટલે કે ચોમાસુ પૂર્વેની ગતિવિધિ તેજ બનવા પામે છે.
હવામાન વિભાગે આ મારકણી ગરમીનું જોર યથાવત્ રહેશે અને આગામી સપ્તાહે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે તેવો વર્તારો વ્યક્ત કર્યો છે, તેમજ લોકોને મારકણી લૂથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
(ઉત્સવ વૈદ્ય)