ભુજ: સીમાવર્તી કચ્છ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન બનેલા જુદા જુદા માર્ગ અકસ્માતો, વીજ શોક અને આપઘાતના બનાવોમાં કુલ પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માત ઝોન તરીકે પંકાયેલા ભુજ-ખાવડા માર્ગ પર એરફોર્સ ગેટ પાસે રસ્તો ઓળંગી રહેલા ઉત્તર પ્રદેશના 19 વર્ષીય શ્રમિક ગોલુ કાન્તી બિયારને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ અન્ય શ્રમિકોએ થોડો સમય હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. માનવજ્યોત સંસ્થાની મદદથી મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ મામલે અજ્ઞાત વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
જીવલેણ માર્ગ અકસ્માતમાં 21 વર્ષીય યુવકનું મોત
બીજો જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ માધાપર ધોરીમાર્ગ પર રસવાટીકા નજીક બનવા પામ્યો હતો. જેમાં બુલેટ સ્લીપ થઈ જતાં પધ્ધરના 21 વર્ષીય પ્રેમ ગોવિંદભાઈ ડાંગરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આહીર સમાજના શૈક્ષણિક કાર્યક્રમો સાથે સંકળાયેલા આશાસ્પદ યુવકના અવસાનથી પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.
બીજી તરફ, માનકૂવા-સામત્રા માર્ગ પર પેટ્રોલ પંપ નજીક બોલેરો ગાડીએ એક્ટિવાને ટક્કર મારતાં સામત્રા ગામના 29 વર્ષીય મનોજ ખમુ મહેશ્વરીનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી આદરી છે.
75 વર્ષીય વૃદ્ધે આપઘાત કરી લીધો
આ દરમિયાન, માધાપર જૂનાવાસમાં 75 વર્ષીય વૃદ્ધ સિદીક જુશબ જુણેજાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે કંડલા-તુણા બાયપાસ નજીક રેલવે લાઈન પાસે હાઈવોલ્ટેજ વીજ શોક લાગવાથી નાની ચિરઈના 22 વર્ષીય યુવાન ઈશા સુલેમાન ભટ્ટીનું સારવાર દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત થયું હતું.
(ઉત્સવ વૈદ્ય)