ભચાઉ: કચ્છના ભચાઉના વોંધ પુલિયા પાસે મંગળવારે ભર બપોરે જાહેરમાં ફાયરિંગ કરી એક વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ વર્ષો જૂની પારિવારિક અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
70 વર્ષીય હરગોવિંદભાઈ સાધુ પર હુમલો
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉના વોંધ ઓવરબ્રિજ પાસે આજે જનજીવન ધમધમી રહ્યું હતું, ત્યારે અજાણ્યા શખ્સોએ વોંધ ગામના રહેવાસી 70 વર્ષીય હરગોવિંદભાઈ સાધુ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વૃદ્ધ પર સીધું ફાયરિંગ કરતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ધોળા દિવસે થયેલા આ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
ખાલી કારતૂસ અને તલવારની ખાલી મ્યાન મળી આવી
બનાવની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી એક રાઉન્ડ ખાલી કારતૂસ અને તલવારની ખાલી મ્યાન મળી આવી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
ગુનો નોંધવાની તજવીજ ચાલુ
આ અંગે ભચાઉ પીઆઈ ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ અંગત પારિવારિક અદાવતનું પરિણામ જણાય છે. હાલમાં ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે અને આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ ફરી એકવાર સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.
(ઉત્સવ વૈધ)