અમદાવાદઃ શહેરમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસ 26 એપ્રિલના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. જે ગયા વર્ષે 29 એપ્રિલે નોંધાયેલા તાપમાન જેટલું જ છે. આ આંકડો અમદાવાદમાં છેલ્લા ઓછામાં ઓછા 25 વર્ષમાં એપ્રિલના સૌથી ગરમ દિવસોમાંનો એક છે.
અમદાવાદમા એપ્રિલની શરૂઆતમાં થોડી રાહત મળી હતી, પરંતુ 12 એપ્રિલ પછી શહેરમાં સતત 18 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે. ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં આવી અતિશય ગરમીની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ ફેરફાર શહેરી ગરમી અને રોજિંદા જીવન પર તેની વધતી જતી અસર અંગે નવી ચિંતાઓ પેદા કરી રહ્યો છે.
2001 થી 2020 સુધી આવી હતી સ્થિતિ
તાપમાનના વલણો અનુસાર, 2001 થી 2010 દરમિયાન એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રીની આસપાસ રહેતું હતું, અને 2011 થી 2020 વચ્ચે તે 41.4 ડિગ્રી હતું. આ બે દાયકા દરમિયાન, એપ્રિલમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન 2019માં 43.3 ડિગ્રી હતું.
5 વર્ષમાં એપ્રિલમાં તાપમાન 3 વખત 44 ડિગ્રીને પાર
જોકે, 2021 પછી આ પેટર્ન ઝડપથી બદલાઈ છે. છેલ્લા 5 વર્ષમાં, એપ્રિલમાં તાપમાન 3 વખત 44 ડિગ્રીને પાર કરી ગયું છે. 2022માં 44.4 ડિગ્રી અને 2025 તથા 2026 માં 44.8 ડિગ્રી નોંધાયું હતું. આના કારણે છેલ્લા 5 વર્ષની સરેરાશ વધીને 43.4 ડિગ્રી થઈ ગઈ છે, જે અગાઉના દાયકાઓ કરતા વધુ છે.
અમદાવાદવાસીઓ માટે કેમ એપ્રિલ બની રહ્યો છે આકરો
હવામાન નિષ્ણાતો કહે છે કે માર્ચ મહિનો તુલનાત્મક રીતે ઠંડો હોય છે કારણ કે માર્ચના મધ્ય પછી તાપમાન વધવાનું શરૂ થાય છે. અમદાવાદના એક હવામાન વિશ્લેષકે જણાવ્યું કે, પરંપરાગત રીતે એપ્રિલ એ મે મહિનાના પીક ઉનાળા પહેલાનો સંક્રમણ મહિનો છે, જ્યારે અમદાવાદ અને ગુજરાતમાં તાપમાન સામાન્ય રીતે તેના ઉચ્ચતમ સ્તરે પહોંચે છે. જોકે, હવે અનેક પરિબળો એપ્રિલની ગરમીને તીવ્ર બનાવી રહ્યા છે. ભારતમાં એકંદરે તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં વધતી ગરમી પાછળ માઈક્રોક્લાઈમેટિક પરિબળો પણ જવાબદાર છે. અર્બન હીટ આઇલેન્ડની અસર જોવો મળી રહી છે. આવા વિસ્તારોમાં ગીચ બાંધકામવાળા વિસ્તારો ગરમીને રોકી રાખે છે, તેના કારણે અમદાવાદના કેટલાક ભાગો આસપાસના વિસ્તારો કરતા વધુ ગરમ બની રહ્યા છે. પવનની ગતિ અને દિશા પણ તાપમાનમાં રોજેરોજ થતા ફેરફારોને અસર કરી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ, આ વર્ષે એપ્રિલમાં અનિયમિત વધઘટ પણ જોવા મળી છે. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અઠવાડિયામાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો તફાવત જોવા મળ્યો છે. સાથે જ, સામાન્ય કરતાં વધુ લઘુત્તમ તાપમાનને કારણે રાત્રિ દરમિયાન ઠંડક ઓછી થઈ છે, જેના લીધે શહેર માટે દિવસની ગરમીમાંથી રાહત મેળવવી મુશ્કેલ બની રહી છે.
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, પૂર્વ અમદાવાદના ઘણા વિસ્તારો થર્મલ ડેન્જર ઝોનમાં મુકવામાં આવ્યા છે. ગીચ વસતી અને હરિયાળીના અભાવે આ વિસ્તારોમાં ગ્રામ્ય કરતાં 8 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ જોખમમાં છે. તેની સરખામણીએ પશ્ચિમના વિસ્તારો ઓછી વસ્તી ગીચતા અને વધુ હરિયાળીને કારણે પ્રમાણમાં ઠંડા છે. રિલેટિવ હીટ રિસ્ક ઇન્ડેક્સના આધારે દરેક વોર્ડનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ નાસાના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને જમીનની સપાટીનું તાપમાન, ગ્રીન કવર અને વસ્તી ગીચતાને એક સ્કોરમાં જોડીને આ ઇન્ડેક્સ તૈયાર કર્યો હતો. તેના તારણો ચોંકાવનારા છે. પૂર્વના 16 વોર્ડ ક્રિટિકલ (અતિ જોખમી) હીટ રિસ્ક શ્રેણીમાં આવે છે. દર ચોરસ કિમી દીઠ સરેરાશ 58,415 લોકોની ગીચતા અને નહીંવત્ વૃક્ષો ધરાવતા આ વોર્ડમાં શહેરની 32.4% વસ્તી વસે છે. અન્ય છ ગંભીર જોખમ ધરાવતા વોર્ડને ઉમેરતા આ આંકડો 44% પર પહોંચે છે, જેનો અર્થ છે કે શહેરની લગભગ અડધી વસ્તી થર્મલ ડેન્જરમાં જીવે છે. આ અતિ જોખમી વિસ્તાર માત્ર 53.6 ચોરસ કિમીમાં ફેલાયેલો છે, જે તેને દેશના સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા અને ગરમીથી પ્રભાવિત શહેરી વિસ્તારોમાંનો એક બનાવે છે.
કયા વોર્ડ સૌથી વધુ જોખમમાં?
ખતરાના ઇન્ડેક્સમાં વિરાટનગર (0.767) ટોચ પર છે, ત્યારબાદ દરિયાપુર (0.753), અમરાઈવાડી (0.748), ઈન્દ્રપુરી (0.736) અને મણિનગર (0.717) આવે છે , આ તમામ પૂર્વ વિસ્તારમાં છે. તેનાથી વિપરીત, ઓછા જોખમ ધરાવતા વોર્ડમાં મુખ્યત્વે પશ્ચિમના વિસ્તારો જેવા કે ગોતા (0.153), મક્તમપુરા (0.176) અને સરખેજ (0.208) નો સમાવેશ થાય છે.