Mon Oct 05 2026

Logo

સુરત પોલીસે કીર્તિ પટેલની ક્યા કેસમાં કરી ધરપકડ ? કીર્તિની સાથી આ યુવતી ફરાર

2026-07-31 10:39:00
Author: Vimal Prajapati
સુરત પોલીસે કીર્તિ પટેલની ક્યા કેસમાં કરી ધરપકડ ? કીર્તિની સાથી આ યુવતી ફરાર

સુરતઃ વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી જેલના સળિયા પાછળ જવાની છે. પોતાના અવારનવાર વિવાદિત નિવેદનો અને વાણી-વર્તનને કારણે ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે પોલીસે ફરી એકવાર કાર્યવાહી કરી છે. સુરતના પુણા પોલીસ મથકે નોંધાયેલા એક ગંભીર કેસમા સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

સંયુક્ત ઓપરેશન હાથ ધરી રતનપરથી દબોચી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુરત પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. રતનપર વિસ્તારમાં આવેલી ટાઉનશિપ સ્થિત નિવાસસ્થાનેથી કીર્તિ પટેલની અટકાયત કરીને તેને તાત્કાલિક સુરત લાવવામાં આવી છે, જ્યાં તેની સામે આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો, ભાવનગરના જાણીતા વેપારી રાજુ ભમ્મર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ મળીને સોશિયલ મીડિયા પર તેમના તથા તેમના પરિવાર વિરુદ્ધ અત્યંત અભદ્ર અને બદનક્ષીકારક પોસ્ટ્સ વાયરલ કરી હતી. એટલું જ નહીં, મેસેજ અને ફોન કોલ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો પણ ગંભીર આરોપ છે.

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે

ફરિયાદ મળતાની સાથે જ પુણા પોલીસે ડિજિટલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરીને પોલીસ વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરશે. આ સિવાય, કેસમાં સહ-આરોપી તરીકે નામદાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની શોધખોળ પણ તેજ બનાવી દેવામાં આવી છે.પોલીસ હાલમાં કીર્તિ પટેલ દ્વારા તાજેતરમાં બનાવાયેલા નવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને મેસેજ ટ્રેસિંગ સહિતના ડિજિટલ પુરાવાઓની પણ ઝીણવટભરી તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.