કેશોદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં એક અત્યંત રસાકસીભર્યો અને અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મતની કિંમત અને નસીબનો અદભૂત ખેલ જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસારી બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી હતી અને અંતે બંને ઉમેદવારોને એકસરખા મત મળતા પરિણામ 'ટાઈ' થયું હતું. આ પરિસ્થિતિમાં વિજેતા નક્કી કરવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવતા આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નસીબ ચમક્યું હતું અને ચિઠ્ઠી દ્વારા તેમની જીત જાહેર કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીને ખૂબ મોટી જીત મળી હતી. ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રેખાબેન કાળાભાઈ ભાદરકા 7510 મતોથી જીત્યા છે, વિસાવદરની કાલસારી બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા રાજેશભાઇ કાનજીભાઇ પાટડીયાની 7869 મત સાથે વિજયી થયા છે. ભેંસાણ બેઠક પર ભૂપત ભાયાણીની હાર થઈ હતી, ત્યારે આમ આદમી પાર્ટીના દિલસુખભાઇ વલ્લભભાઇ રૂપારેલીયાને 8892 મતો મળ્યા હતા.
જો કે હાલમાં સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા ખેડૂત નેતા રાજૂ કરપડાની હાર થઈ છે. AAPમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની હાર થઈ છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી 2 બેઠકથી ભાજપના ઉમેદવાર હતા. ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે તેમને ટિકિટ આપવામાં આવી હતી.