Sun Aug 30 2026

Logo

કેરલમમાં મુખ્યમંત્રીની પસંદગી માટે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક

2026-05-09 21:43:03
Author: Chandrakant Kanoja
કેરલમમાં મુખ્યમંત્રીની પસંદગી માટે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક

PTI


નવી દિલ્હી: કેરલમમાં કોંગ્રેસની આગેવાની હેઠળ યુડીએફ(UDF)સરકારમાં મુખ્યમંત્રીની પસંદગી માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને નિર્ણાયક બેઠક શરૂ થઈ છે. પાર્ટી હાઇકમાન્ડે આને પસંદગી પ્રક્રિયાનો અંતિમ તબક્કો ગણાવ્યો છે.

કેરલમમાં વિધાનસભા ચૂંટણીમાં યુડીએફ સત્તામાં વાપસી કરી

આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટી નિરીક્ષકો ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પાર્ટીમાં રાજકીય આંતરિક વિવાદ અને જૂથવાદ ચરમસીમાએ છે. કેરલમમાં વિધાનસભા ચૂંટણીમાં યુડીએફ સત્તામાં વાપસી કરી છે. ત્યારથી કેરલમમાં નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

 કેરલમમાં મુખ્યમંત્રી પદ માટેના ત્રણ મુખ્ય દાવેદારો

જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના નિરીક્ષકો મુકુલ વાસનિક અને અજય માકન તેમજ પાર્ટીના મહાસચિવ અને કેરલમ બાબતોના પ્રભારી દીપા દાસમુન્શી  મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારની સર્વસંમતિથી પસંદગી કરવા બેઠકમાં સામેલ છે. કેરલમમાં મુખ્યમંત્રી પદ માટેના ત્રણ મુખ્ય દાવેદારોમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા રમેશ ચેન્નીથલા, વિપક્ષના નેતા વી.ડી. સતીસન અને કોંગ્રેસના મહાસચિવ  કે.સી. વેણુગોપાલ  પણ ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા છે.

કોંગ્રેસ નેતૃત્વ કોઈપણ જાહેર વિખવાદ ટાળવા માંગે છે

હાલના સમયે કોંગ્રેસ નેતૃત્વ કોઈપણ જાહેર વિખવાદ ટાળવા માંગે છે અને બધા જૂથોને સ્વીકાર્ય ફોર્મ્યુલા ઘડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ધારાસભ્ય પક્ષ અને સંગઠનાત્મક માળખા બંનેમાં ત્રણેય નેતાઓને મળેલા નોંધપાત્ર સમર્થનને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ લેશે.