Sun Sep 13 2026

Logo

કેરલમમાં મુખ્યમંત્રીના નામ અંગે કોકડું ગુંચવાયુ, સોનિયા ગાંધી નિર્ણય લેશે

2026-05-11 19:54:48
Author: Chandrakant Kanoja
કેરલમમાં મુખ્યમંત્રીના નામ અંગે કોકડું ગુંચવાયુ, સોનિયા ગાંધી નિર્ણય લેશે

 નવી દિલ્હી : કેરલમમાં કોંગ્રેસની પ્રચંડ જીત બાદ પણ મુખ્યમંત્રીના નામ અંગે કોકડું ગુંચવાયુ છે. જેમાં  સીએમના નામ અંગે સતત ચાલી રહેલી બેઠકો બાદ પણ નામ પર સહમતી મેળવી શકાય નથી. જેના પગલે હવે આ સમગ્ર મુદ્દે  પાર્ટી અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વચ્ચેની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. 

વિરોધ પ્રદર્શનો અને પોસ્ટર વોર શાંત થવાની રાહ 

કેરલમમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા રમેશ ચેન્નીથલા, એઆઈસીસી મહાસચિવ કેસી વેણુગોપાલ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વીડી સતીશનને મુખ્યમંત્રી પદની રેસમાં મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. તેમજ  હાઇકમાન્ડ ગયા અઠવાડિયે રાજ્યમાં જોવા મળેલા વિરોધ પ્રદર્શનો અને પોસ્ટર વોર શાંત થાય તેની રાહ જોઈ રહી છે. 

મલ્લિકાઅર્જુન ખડગેના નિવાસે બેઠક મળી હતી

આ પૂર્વે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગેના નિવાસે બેઠક મળી હતી. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના નિરીક્ષકો મુકુલ વાસનિક અને અજય માકન તેમજ પાર્ટીના મહાસચિવ અને કેરલમ બાબતોના પ્રભારી દીપા દાસમુન્શી  મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારની સર્વસંમતિથી પસંદગી કરવા બેઠકમાં સામેલ હતા. 

કોંગ્રેસ નેતૃત્વ કોઈપણ જાહેર વિખવાદ ટાળવા માંગે છે

હાલના સમયે કોંગ્રેસ નેતૃત્વ કોઈપણ જાહેર વિખવાદ ટાળવા માંગે છે અને બધા જૂથોને સ્વીકાર્ય ફોર્મ્યુલા ઘડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ધારાસભ્ય પક્ષ અને સંગઠનાત્મક માળખા બંનેમાં ત્રણેય નેતાઓને મળેલા નોંધપાત્ર સમર્થનને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ લેશે.