Tue May 12 2026

Logo

કેદારનાથમાં હવામાન અચાનક પલટાયું, બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

2026-05-11 22:43:59
Author: Chandrakant Kanoja
Article Image

કેદારનાથ: ઉત્તરાખંડના ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. જોકે, આ દરમિયાન કેદારનાથ ક્ષેત્રમાં હવામાનમાં અચાનક પલટાયું હતું. તેમજ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના લીધે  બે હેલિકોપ્ટરને અગસ્ત્ય મુનિ મેદાનમાં સ્થિત હેલિપેડ પર સાવચેતી માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

પાઇલોટે સલામતીને પ્રાથમિકતા આપીને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું 

આ અંગે મળતી માહિતી મુજબ  હિમાલયન હેલી સર્વિસીસનું એક હેલિકોપ્ટર બદ્રીનાથથી સેરસી જઈ રહ્યું હતું, જ્યારે ઈન્ડો કોપ્ટર કંપની દ્વારા સંચાલિત બીજું હેલિકોપ્ટર સહસ્ત્રધારથી ફાટા જઈ રહ્યું હતું. ગુપ્તકાશી અને ઉખીમઠ પ્રદેશોમાં ધુમ્મસ વધી હતી ને વિજિબિલિટી ઘટતા બંને પાઇલોટે  સલામતીને પ્રાથમિકતા આપીને  સલામત ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. 

હેલી સર્વિસીસના નોડલ ઓફિસર રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે કેદાર ખીણમાં બગડતી હવામાન પરિસ્થિતિઓને કારણે બંને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ જરૂરી બન્યું હતું. ત્યારબાદ, હવામાન સાફ થયા પછી, બંને હેલિકોપ્ટર અગસ્ત્ય મુનિ હેલિપેડ પરથી ઉડાન ભરીને પોત પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા હતા. 

હવામાન વિભાગે 12 અને 13 મેના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર

આ ઉપરાંત હવામાન વિભાગે 12 અને 13 મેના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જેના પગલે  ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ ચાર ધામ યાત્રા માટે આવતા ભક્તો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ તેમની યાત્રા દરમિયાન નવીનતમ હવામાન અપડેટ પછી આગળ વધે. જોકે, 
રાજ્ય સરકાર ચાર ધામ યાત્રાને સુગમ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, અને જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.  

કેદારનાથ ધામનો લિંચોલી વિસ્તાર હિમપ્રપાત માટે ખૂબ જ સંવેદનશીલ

ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામ માર્ગ પરનો લિંચોલી વિસ્તાર હિમપ્રપાત માટે ખૂબ જ સંવેદનશીલ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં  માહિતી પ્રકાશમાં આવી છે. તેમજ સંસ્થાએ જોખમ ઘટાડવા માટે સૂચનો પણ આપ્યા છે. જેમાં વૈકલ્પિક માર્ગ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.