અમરેલી: પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એટલે કે ભગત બાપુનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક 'વાણી તો અમરત વદાં'નું 23 વર્ષ બાદ પુન:વિમોચન થશે. રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે.
ભગતબાપુની 49મી પુણ્યતિથિએ થશે વિમોચન
ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે કવિ કાગના જીવનદર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરી કવિકાગને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ ‘કાગના ફળિયે કાગની વાતું’ કાર્યક્રમમાં આ નવસંસ્કરિત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.
લોકસાહિત્યનો શિખર પુરસ્કાર
કવિ કાગની જન્મ શતાબ્દી નિમિત્તે માહિતી ખાતા દ્વારા ‘વાણી તો અમરત વદાં’ ગ્રંથનુ પ્રકાશન વર્ષ 2003માં કરવામાં આવ્યું હતું. હાલ આ ગ્રંથ અપ્રાપ્ય હોવાથી ગ્રંથના સંપાદક અંબાદાન રોહડિયાના પ્રયત્નોથી આ ગ્રંથનું નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૧મી ફેબ્રુઆરીના રોજ મજાદર ખાતે યોજનારા કાર્યક્રમમાં કાગબાપુના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ સાથે વિવિધ લેખકો, સાહિત્યકારો અને લોકકલાકારોને મળી ૨૫ જેટલા સર્જકોને લોકસાહિત્ય એવોર્ડ આપવામાં આવશે. મોરારીબાપુના હસ્તે આ એવોર્ડનુ વિતરણ કરવામાં આવશે.
ગાગરમાં સાગર સમાવતી કાગવાણી
આ નવસંસ્કરિત પુસ્તકમાં જૂના લેખોની સાથે નવા કેટલાક લેખોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કવિ કાગના સમગ્ર કર્તૃત્વ અને જીવનદર્શનને પાંચ ખંડોમાં સમાવિષ્ટ કરાયા છે. જેમાં વ્યક્તિત્વ અને વાઙ્મય સંસ્કૃતિ અને સમાજ, પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય, કાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં અને કાગવાણીના બહુવિધ પરિમાણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરીને વધુ લોકસ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
QR સ્કેન કરીને સાંભળો કવિ કાગનો અવાજ
ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે. કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની ઋજુતાને જન જન સુધી પંહોચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે. કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકો, સાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે.