ચિકબલ્લાપુર: કર્ણાટકના ચિકબલ્લાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના લોકપ્રિય ધારાસભ્ય પ્રદીપ ઈશ્વર પર ભીડમાંથી જૂતું ફેંકવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય એક વાહનમાં સવાર થઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તેમની આસપાસ તેમના સમર્થકોની ભારે ભીડ હાજર હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બે શખ્સો ધારાસભ્ય તરફ જૂતું ફેંકતા જોવા મળ્યાં હતાં.
ધારાસભ્યના સમર્થકોનો ભારે વિરોધ પ્રદર્શન
આ અપમાનજનક ઘટનાથી ગુસ્સે ભરાયેલા પ્રદીપ ઈશ્વરના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોએ ચિકબલ્લાપુરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. નારાજ સમર્થકોએ ચિકબલ્લાપુર જિલ્લા મેજિસ્ટ્રેટના નિવાસસ્થાન સામે ધરણાં પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ધારાસભ્યનું અપમાન કરનારા અને જૂતું ફેંકનારા બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ સંદર્ભે કાર્યકરોએ ચિકબલ્લાપુરના એસપીને એક આવેદનપત્ર પણ સોંપ્યું છે.
ભારતમાં નેતાઓ પર જૂતા ફેંકવાનો ઈતિહાસ જૂનો છે
દેશમાં આ અગાઉ પણ અનેક મોટા નેતાઓને અપમાનિત કરવાના હેતુથી અથવા રાજકીય અદાવતમાં જૂતા કે ચપ્પલ ફેંકવાની ઘટનાઓ બની ચૂકી છે. 2016માં ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક રોડ શો દરમિયાન રાહુલ ગાંધીને નિશાન બનાવીને જૂતું ફેંકવામાં આવ્યું હતું. જો કે, આ જૂતું તેમને વાગવાને બદલે તેમની નજીક ઉભેલી અન્ય એક વ્યક્તિને વાગ્યું હતું. 2010 જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર એક કાર્યક્રમ દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ સાથે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત આવા હુમલા થયા છે. એપ્રિલ 2016માં દિલ્હી સચિવાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 'આપ સેના'ના જ એક સભ્યે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ સિવાય 2017માં રોહતકની રેલીમાં જૂતું અને 2011માં લખનઉમાં સામાજિક કાર્યકર્તા તરીકે આંદોલન દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકવામાં આવી હતી.
શા માટે થાય છે આવા હુમલા?
ભૂતકાળની આવી ઘટનાઓની તપાસમાં સામે આવ્યું છે કે, ઘણી વખત લોકો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પોતાને મીડિયામાં હાઈલાઈટ કરવા માટે આવા કૃત્યો આચરતા હોય છે. કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ ઈશ્વર પર આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.