નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev)એ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી જેટલો ટૅલન્ટેડ કહ્યો છે, પરંતુ તેમણે એવું પણ કહ્યું છે કે આ નવયુવાન બૅટ્સમૅનને હદ બહાર હાઇપ ન મળવી જોઈએ (તેના વિશે વધુ પડતી મોટી-મોટી વાતો ન થવી જોઈએ), નહીં તો તે માનસિક દબાણમાં આવી જશે.
1983 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને વૈભવ (Vaibhav) વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વૈભવની ભરપૂર પ્રશંસા કરી છે, પણ તેને લઈને જે માહોલ બન્યો છે એ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વૈભવ અસાધારણ પ્રતિભાવાળો ખેલાડી છે. જોકે આટલી નાની ઉંમરમાં તેના પર અપેક્ષાનો બોજ ન નાખવો જોઈએ.
એક મુલાકાતમાં કપિલ દેવને `વૈભવને તમે કયા દૃષ્ટિકોણથી જુઓ છો?' એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું, `તેનામાં ભરપૂર ટૅલન્ટ ભરી છે. એમાં કોઈ શંકા નથી. મને લાગે છે કે તેના વિશે વધુ પડતી મોટી-મોટી વાતો ન થવી જોઈએ. તેને હજી થોડો સમય તો આપો. તેના પર અપેક્ષાનો બોજ આવી જશે તો ખુદ તે માનસિક દબાણમાં આવી જશે.'
કપિલે કહ્યું, `વૈભવ મારી દૃષ્ટિએ સચિન અને વિરાટ જેટલો ટૅલન્ટેડ કહીએ તો પણ માત્ર ટૅલન્ટ પૂરતી નથી હોતી, લાંબા સમય સુધી સતત સારું પર્ફોર્મ કરવામાં આવે તો જ એ ખેલાડી મહાન બની શકે. સચિનને તેની યુવા વયે વૈભવ જેટલો હાઇપ નહોતો મળ્યો (મોટી મોટી વાતોની ચર્ચા નહોતી થઈ). વૈભવે ટી-20માં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી, પણ ટેસ્ટ ક્રિકેટમાં પણ તે આવી જ સાતત્યતા બતાવશે એ જોવું રહ્યું.