(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વિદેશથી 50 કન્ટેનરોમાં કંડલા પોર્ટ ઉપર આવેલા 100 કરોડની કિંમતના સોપારીના કન્ટેનરો કસ્ટમ અધિકારી સાથે મિલિભગત કરી આયાતકારોએ બહાર કાઢી લીધા હતા, પરંતુ બે કન્ટેનરો કે જેમાં દોઢ કરોડથી વધારેની સોપારી હતી તેની ડીલીવરી લેવા માટે અમદાવાદથી ગયેલા બે વ્યક્તિઓ અને મુદ્દા માલ ભરેલા કન્ટેનર અને કન્ટેનરને પાયલોટિંગ કરતી કારને કચ્છ પોલીસના સાયબર સેલ અને બોર્ડર રેન્જના અધિકારીઓએ બાતમીના આધારે પકડી લેતા સમગ્ર કથિત કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઘટના તપાસનો વિષય બની જતા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેના આધારે કંડલા પોર્ટના કાસેજના કસ્ટમ ઇન્સ્પેક્ટરની સંડોવણી બહાર આવતા હાલ તુરંત કસ્ટમ વિભાગે પોલીસ રિપોર્ટના આધારે કસ્ટમ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી તેને વડોદરા કસ્ટમમાં પરત મોકલી દીધો હતો, પરંતુ સો કરોડની સોપારી કથિત રીતે બહાર કાઢી લેવા માટે કસ્ટમના અને પોલીસના કયા કયા અધિકારીઓને ચાર કરોડ રૂપિયા મળ્યા તેની તપાસ હજુ સુધી થઈ શકી નથી. માત્ર કસ્ટમના એક ઇન્સ્પેક્ટરને જ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર કેસમાંથી હાલ બચી ગયા છે કે શું, તેવી વાત એક અધિકારીએ કરી હતી.
ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026 માં કચ્છ જિલ્લાના રેન્જ આઈ જી ચિરાગ કોરડીયાને સોપારીની ડીલીવરી થવાની છે એવી માહિતી મળી હતી, જેના આધારે બોર્ડર રેન્જના અને સાયબર સેલના અધિકારીઓ સામખીયાળી પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે આધોડી રોડ ટચ એક મકાનમાં સોપારી નો જથ્થો ઉતરવાનો છે જેના આધારે રેડ પાડવામાં આવતા શાહ નગરમાં આવેલા હિરેન ગોસ્વામીના મકાનમાં દરોડો પાડીને કન્ટેનર ઉપરાંત પાયલોટિંગ કરતી કાર અને ટ્રેલરના ડ્રાઇવર દીપારામ ભોજારામને ઝડપી લીધા હતા અને તપાસ આગળ વધારી હતી. તપાસમાં ડ્રાઇવરના નિવેદન લેવામાં આવતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ફરજ બજાવતા કસ્ટમ ઇન્સ્પેક્ટર અમિત પાઠકનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગેનો ડીટેલ રિપોર્ટ કચ્છ પોલીસે કસ્ટમ વિભાગને આગળની કાર્યવાહી માટે પરત કર્યો હતો, જેના આધારે કંડલા કસ્ટમ વિભાગે કસ્ટમ ઇન્સ્પેક્ટર અમિત પાઠકને સસ્પેન્ડ કરીને તેના મૂળ ડિપાર્ટમેન્ટ વડોદરામાં પરત મોકલી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સમગ્ર 100 કરોડના સોપારી કૌભાંડમાં કસ્ટમના અનેક મોટા માથાઓ છટકી ગયા છે અને માત્ર દોઢ કરોડનો જ સોપારીનો જથ્થો પકડાયો અને બાકીનો જથ્થો સગે-વગે કરવા માટે ચાર કરોડ રૂપિયા કોને કોને આપવામાં આવ્યા તેની કોઈ તપાસ હજુ સુધી થઈ શકી નથી, તેમ પણ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.