ભુજમાં સિઝનનું બીજું સૌથી ઊંચું તાપમાન; હીટવેવની આગાહીને પગલે ગાંધીધામમાં 'હીટસ્ટ્રોક પ્લાન' અમલી
ભુજઃ કચ્છમાં સૂર્યનારાયણે આકરો મિજાજ દેખાડતા કચ્છીમાડુઓ ગરમીમાં શેકાયા હતા. લૂના ભીષણ પ્રભાવ વચ્ચે કંડલા એરપોર્ટ પર પારો ૪૫.૨ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં કચ્છનું પૂર્વીય પડખું સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ નોંધાયું હતું. ભુજ સહિતના શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ સન્નાટો છવાઈ ગયો હતો, જેણે અઘોષિત કરફ્યુ જેવો માહોલ સર્જ્યો હતો.
રાત્રિના સમયે પણ ઉકળાટ અને પરસેવાથી લોકો બેહાલ
જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો ૪૩.૩ ડિગ્રીએ પહોંચ્યો હતો. ૨૬મી એપ્રિલે નોંધાયેલા ૪૩.૮ ડિગ્રી બાદ આ સિઝનનો આ બીજો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. વૈશાખના પ્રારંભે જ તાપનો ખરો પરચો મળતા જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યાહ્નકાળે આકરા તાપને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જ્યારે રાત્રિના સમયે પણ ઉકળાટ અને પરસેવાને કારણે લોકો બેહાલ બન્યા હતા.
હીટસ્ટ્રોક પ્લાન અમલી બનાવવામાં આવ્યો
હવામાન વિભાગે ૧૫મી મે સુધી કચ્છ સહિત રાજ્યભરમાં હીટવેવ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ગરમીની તીવ્રતા વધતા લૂ લાગવા અને હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની ભીતિને પગલે તંત્ર સજ્જ બન્યું છે. ગાંધીધામ સંકુલમાં ગરમીની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ખાસ 'હીટસ્ટ્રોક પ્લાન' અમલી બનાવવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ બેડ અનામત રાખવા અને પૂરતી દવાઓનો જથ્થો રાખવા આદેશ અપાયા છે.
શ્રમિકો અને વાહનચાલકોની હાલત કફોડી
એપ્રિલના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે ગરમીનો અનુભવ થયા બાદ, મે મહિનાના મધ્યમાં હીટવેવનો આ બીજો આકરો રાઉન્ડ શરૂ થયો છે. પૂર્વીય કચ્છના અંજાર, ગળપાદર અને વરસામેડી પંથકમાં તાપમાનનો પારો ઊંચો રહેતા શ્રમિકો અને વાહનચાલકોની હાલત કફોડી બની હતી. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે સીધા તડકામાં ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)