Wed May 06 2026

Logo

લોકલ ટ્રેનની છત પર ચઢેલા માનસિક વિકલાંગ વ્યક્તિને કલ્યાણ સ્ટેશન પર બચાવાઈ

2026-05-05 20:37:31
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનસેવા અનિયમિત દોડવાનું નિયમિત થઈ ગયું છે, જેમાં ટેક્નિકલ ફેઈલ્યોરની સાથે અકસ્માતના કારણો પણ જવાબદાર છે. ઉપરાંત, ટ્રેન સંબંધિત અકસ્માતના પરિબળો કારણભૂત છે. જોકે, આજે બપોરે કલ્યાણ સ્ટેશન પર છત પર મુસાફરી કરી રહેલા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિને બચાવવા માટે લોકલ ટ્રેન રોકી દેવામાં આવી હતી.

25 વર્ષીય યુવક બપોરે 2 વાગ્યે બદલાપુર-દાદર એસી લોકલની ઉપર સવારી કરતો જોવા મળ્યો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ટ્રેનને રોકવામાં આવી હતી અને વીજળીનો શોક લાગવાના જોખમને ટાળવા માટે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ) પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ રેલવે સ્ટાફ અને ગવર્મેન્ટ રેલ્વે પોલીસ (જીઆરપી)ના કર્મચારીઓએ તે યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. સંપૂર્ણ સલામતી તપાસ પછી ઓએચઈ સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યો અને ટ્રેન સ્ટેશન પરથી રવાના કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી 12 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી.

મલકા ફિદ્રે નામના આ યુવકને જીઆરપીને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રેન સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)