થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં આવેલી હોટેલમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ વરિષ્ઠ મહિલા વકીલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના એન્ટિ-હુમન ટ્રાફિકિંગ સેલ (એએચટીસી)ની ટીમે શનિવારે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને હોટેલના માલિકની તેમાં સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ હોટેલમાં રેઇડ પાડી હતી અને આ કેસની મુખ્ય આરોપી એવી મહિલા વકીલની ધરપકડ કરી હતી, જે કલ્યાણ અને પનવેલની કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એએચટીસીના અધિકારીને માહિતી મળી હતી કે સુશિક્ષિત મહિલા કલ્યાણ પૂર્વમાં આવેલી જાણીતી હોટેલમાં છેલ્લા ત્રણ મહિનાથી સેક્સ રેકેટ ચલાવી રહી છે અને ગરીબ તથા જરૂરતમંદ મહિલાઓને તેમાં ધકેલી રહી છે. પોલીસે બે મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જેને બાદમાં મહિલા સુધારગૃહમાં મોકલી અપાઇ હતી.
આ માહિતીને આધારે પોલીસ ટીમ ઘણા દિવસ સુધી હોટેલ પર નજર રાખી રહી હતી. વધુ માહિતી મેળવવા માટે અધિકારીઓ નિયમિત ગ્રાહક તરીકે હોટેલની મુલાકાત લેતા હતા અને નાસ્તો તેમ જ ચાનો ઓર્ડર આપતા હતા.
પોલીસ ટીમે શનિવારે હોટેલમાં રેઇડ પાડવાનું નક્કી કર્યું હતું. એએચટીસીના સિનિયર ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ શનિવારે કલ્યાણ આવી હતી. તેમણે બોગસ ગ્રાહકને હોટેલમાં મોકલ્યો હતો અને બાદમાં કોલસેવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને રેઇડ પાડી હતી.
કોલસેવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.જી. નાઇકે જણાવ્યું હતું કે મહિલા વકીલ ક્યારથી સેક્સ રેકેટ ચલાવી રહી હતી અને તેણે હજી સુધી કેટલી મહિલાને દેહવ્યાપારમાં ધકેલી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત હોટેલની સંડોવણી અંગે પણ તપાસ કરાઇ રહી છે. આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (પીટીઆઇ)