Mon Sep 07 2026

Logo

International Yoga Day: યોગ માત્ર શારીફિક શ્રમનું સાધન નથી, 40ની ઉંમરે 20 જેવા ફ્લેક્સિબલ રહો: PM

2026-06-21 09:15:00
Author: Mumbai Samachar Team
International Yoga Day: યોગ માત્ર શારીફિક શ્રમનું સાધન નથી, 40ની ઉંમરે 20 જેવા ફ્લેક્સિબલ રહો: PM

કોલકાતાઃ પીએમ (PM) મોદી રવિવારે કોલકાતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે- આપણું લક્ષ્ય 40 વર્ષની ઉંમરે 20 વર્ષની ઉંમર કરતાં વધુ લવચીક (ફ્લેક્સિબલ) હોવાનું અને 50 વર્ષની ઉંમરે 30 વર્ષની ઉંમર કરતાં વધુ ઊર્જાવાન હોવાનું હોવું જોઈએ.

પીએમએ કહ્યું કે યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ચૂક્યો છે, જે લોકો, દેશો અને સંસ્કૃતિઓને એકસાથે જોડે છે. તેમણે કહ્યું કે 21 જૂન, જે પૃથ્વીનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે, તે હવે આખી દુનિયામાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વખતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ કોલકાતાના ઐતિહાસિક 'રેડ રોડ' પર યોજાયો હતો. પીએમએ તાડાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન અને ત્રિકોણાસન કર્યા હતા. તેમની સાથે 35 હજાર લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પીએમએ આશરે 15 મિનિટ સુધી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ (મુખ્ય વિષય) "Yoga for Healthy Ageing" એટલે કે 'વધતી ઉંમર માટે યોગ' છે. આ થીમનો હેતુ એ જણાવવાનો છે કે યોગ માત્ર ફિટનેસ (શારીરિક ચપળતા) માટેનું માધ્યમ નથી, પરંતુ ઉંમર વધવાની સાથે શરીર, મન અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારું જાળવી રાખવાનો પણ એક માર્ગ છે.

યોગ બધાને જોડે છે એજ તેની તાકાત

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે  ભારતમાં હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી અને પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી આખો દેશ યોગની ઊર્જા અને ચૈતન્યથી ભરેલો દેખાઈ રહ્યો છે. આખો દેશ અને આખું વિશ્વ એકબીજા સાથે જોડાયેલું જોવા મળી રહ્યું છે. આ જ યોગની તાકાત છે. યોગ બધાને જોડે છે. યોગ બધાને સાથે લાવે છે.

તેમણે મહર્ષિ અરવિંદના શબ્દોને પણ દોહરાવ્યા. પીએમ મોદીએ કહ્યું, “મહર્ષિ અરવિંદ પણ કહેતા હતા કે આપણું આખું જીવન યોગ છે, ભલે આપણને તેનો ખ્યાલ હોય કે ન હોય. યોગ જ્યારે સ્વભાવમાં વણાઈ જાય છે, ત્યારે તે માનવીય એકતાનો આધાર બની જાય છે. યોગ માત્ર શારીરિક શ્રમનું સાધન નથી, અને યોગ માત્ર કોઈ એક ચોક્કસ વયજૂથ પૂરતો સીમિત પણ નથી. યોગ મનુષ્યના જીવનનો, ચેતના સાથે અને ઊર્જા સાથેનો એક પ્રકાશ પણ છે.”