Sun Sep 13 2026

Logo

જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા

2026-05-08 20:24:54
Author: Devayat Khatana
જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલિંગ્ડન ડેમ ખાતે રજાના દિવસે ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. મુળ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની અને જૂનાગઢમાં મજૂરીકામ કરતા સાત મિત્રો સાંજે 5 વાગ્યાના અરસામાં ડેમની કૂંડીમાં ન્હાવા માટે આવ્યા હતા. પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા સાત પૈકીના ત્રણ યુવકો અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા, જ્યારે અન્ય ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

પોતાની નજર સામે જ ત્રણ મિત્રોને કાળનો કોળિયો બનતા જોઈ અન્ય સાથીદારોએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. જૂનાગઢ ફાયર વિભાગની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનાને પગલે મૃતક યુવકોના મિત્રો અને પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.