Thu Jun 18 2026

Logo

સૌરાષ્ટ્રના પ્રવાસને બનાવો યાદગાર! ગીર સોંસરવી મુસાફરી કરાવતી મીટર ગેજ ટ્રેનનું જાણો નવું ટાઈમ ટેબલ

2026-04-05 10:19:00
Author: Devayat khatana
Article Image

જૂનાગઢ: ગીર, ગિરનાર અને સોમનાથ એ સૌરાષ્ટ્રના પ્રવાસે આવનારા મુસાફરોનું પ્રમુખ આકર્ષણ રહે છે. ગિરનારની સિદ્ધભૂમિ, ગીરની હરિયાળી અને સાવજોની ડણક તેમજ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ અને ભગવાન શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગ તીર્થ જેવા સ્થળો ભારતીયો અને ભારત બહારથી ભારતને જાણવા અને માણવા આવનાર પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વના સ્થળ છે. હવે તમારી આ મુસાફરી અવિસ્મરણીય બની રહે તેવી એક ટિપ્સ છે અને તે છે એક એવા ટ્રેન રૂટ પર પ્રવાસ કે જે તમને ગીર સોંસરવી મુસફરી કરાવીને જૂનાગઢ, સતાધાર, ચલાલા, વિસાવદર, રામપરા, તાલાલા, સાસણ, દેલવાડા, સોમનાથ અને વેરાવળ જેવા સ્થળોએ પહોંચાડશે. તો ચાલો જાણીએ.

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જૂનાગઢ, વેરાવળ, તાલાળા અને દેલવાડા વચ્ચે મુસાફરોની સુવિધા માટે મીટર ગેજ ટ્રેન સેવાઓની સમયસારણી જાહેર કરવામાં આવી છે. આ ટ્રેન સેવાઓ સૌરાષ્ટ્રના મહત્વના પ્રવાસન અને સ્થાનિક મથકોને જોડતી હોવાથી યાત્રિકો માટે અવરજવર ખૂબ જ સરળ બની રહેશે. ખાસ કરીને જૂનાગઢ અને દેલવાડા વચ્ચે ચાલતી ટ્રેન નંબર 52952 સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:40 વાગ્યે પહોંચશે, જ્યારે પરતમાં ટ્રેન નંબર 52951 દેલવાડાથી સવારે 11:00 વાગ્યે ઉપડી સાંજે 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચશે.

અન્ય રૂટ પરની વાત કરીએ તો, જૂનાગઢ અને તાલાળા વચ્ચે ટ્રેન નંબર 09595 સવારે 11:30 વાગ્યે ઉપડી બપોરે 14:50 વાગ્યે પહોંચશે, જ્યારે તાલાળાથી જૂનાગઢ આવતી ટ્રેન નંબર 09596 બપોરે 15:20 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 18:45 વાગ્યે પહોંચશે. આ ઉપરાંત વેરાવળ અને જૂનાગઢ વચ્ચે બંને તરફથી સવારે 06:15 વાગ્યે ટ્રેન (નંબર 52955 અને 52946) ઉપડશે જે 10:20 વાગ્યે નિર્ધારિત સ્થળે પહોંચશે.

વેરાવળ અને દેલવાડા વચ્ચેની કનેક્ટિવિટી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન નંબર 52949 વેરાવળથી બપોરે 14:00 વાગ્યે ઉપડી સાંજે 17:40 વાગ્યે દેલવાડા પહોંચશે, જ્યારે દેલવાડાથી વેરાવળ પરત ફરતી ટ્રેન નંબર 52950 સવારે 07:50 વાગ્યે પ્રસ્થાન કરી સવારે 11:10 વાગ્યે પહોંચશે.