વેપારીનો રસોઈયો બે વર્ષથી યોજના બનાવતો હતો: ચાર સાથીની મદદથી હત્યા પછી વૉચમૅનનું શબ પાણીની ટાંકીમાં ફેંક્યું રસોઈયાએ ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી બનાવી રાખી, પણ છેલ્લી ઘડીએ દરવાજો જ ન ખૂલ્યો: પાંચની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂહુમાં વેપારીના પરિવારની હત્યા કર્યા બાદ લૂંટ ચલાવવાનું કાવતરું ઘડનારી ટોળકીએ બિલ્ડિંગના વૉચમૅનને પતાવી નાખી તેના શબને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. વેપારીનો રસોઈયો જ છેલ્લાં બે વર્ષથી માલિકને લૂંટવા યોજના બનાવી રહ્યો હતો અને આ માટે તેણે ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી પણ બનાવી રાખી હતી, પરંતુ ઘટનાને અંજામ આપવાની રાતે ચાવીથી દરવાજો ન ખૂલતાં આરોપીઓએ પલાયન કરવું પડ્યું હતું. ગુનો ઉકેલી પોલીસે સૂત્રધાર રસોઈયા સહિત પાંચની ધરપકડ કરી હતી.
જૂહુ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જોગેશ્ર્વર ઉદન મલિક ઉર્ફે કિશન, વિજય ગોંજારે, શરદ યેરુડકર (41), તેના ભાઈ મહાદેવ યેરુડકર (35) અને અનિકેત બોરનાક (30) તરીકે થઈ હતી. આ ટોળકીનો સૂત્રધાર જોગેશ્ર્વર વેપારીના ફ્લૅટમાં રસોઈયા તરીકે કામ કરતો હતો. આરોપીઓમાંથી એક બોલીવૂડના ડિરેક્ટરનો ડ્રાઈવર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ જૂહુના એન. એસ. રોડ નંબર-11 પર આવેલી એક ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પરની પાણીની ટાંકીમાંથી વૉચમૅન મનોજકુમાર અયોધ્યા યાદવ (38)નો મૃતદેહ બીજી ઑગસ્ટે મળી આવ્યો હતો. મારપીટ પછી રસીથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે જૂહુ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે મહાદેવ યેરુડકરને કોલ્હાપુરથી, જ્યારે બાકીના ચારને મુંબઈમાંથી તાબામાં લીધા હતા.આરોપીઓની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. આરોપી જોગેશ્ર્વર જે બિલ્ડિંગના વૉચમૅનની હત્યા કરાઈ હતી એમાં રહેતા વેપારીના ફ્લૅટમાં કૂક હતો. તેણે મિત્ર વિજય ગોંજારી સાથે મળી વેપારી, તેની પત્ની અને દીકરીની હત્યા કરીને ફ્લૅટમાંથી રોકડ અને સોનાના દાગીના લૂંટવાની યોજના બનાવી હતી. છેલ્લાં બે વર્ષથી જોગેશ્ર્વર આ કાવતરાને અંજામ આપવાની તૈયારી કરતો હતો.
જોગેશ્ર્વરે વેપારીના ફ્લૅટના મુખ્ય દરવાજાની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી. કાવતરાને અંજામ આપવા જોગેશ્ર્વર અને વિજયે તેમના ત્રણ સાથીની મદદ લીધી હતી. જોગેશ્ર્વરે જ વૉચમૅન યાદવ સાથે ત્રણેય આરોપીની ઓળખાણ પણ કરાવી હતી.પહેલી ઑગસ્ટની રાતે ત્રણેય આરોપીએ યાદવને દારૂ પીવડાવ્યો હતો. પછી હત્યા કરી તેના શબને પાણી ભરેલી ટાંકીમાં નાખી દીધો હતો. ત્યાર બાદ આ ટોળકી વેપારીના છઠ્ઠા માળે આવેલા ફ્લૅટ બહાર પહોંચી હતી. જોકે ચાવીથી દરવાજો ન ખૂલતાં આ ટોળકી નાસી ગઈ હતી.કહેવાય છે કે વેપારી રહે છે તે બિલ્ડિંગના રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ હોવાથી બિલ્ડિંગ ખાલી હતી. તેમાં માત્ર વેપારીનો જ પરિવાર રહેતો હોવાથી આરોપીઓએે આ યોજના બનાવી હતી.